મોન્ટે કાર્લો, તા.૧૨ : સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચને ક્લે કોર્ટ પર શરૃ થયેલી મોન્ટે કાર્લો માસ્ટર્સની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનારા યોકોવિચ બીજા રાઉન્ડની મેચમાં સ્પેનના ડેવિડોવિચ ફોકિના સામે ૩-૬, ૭-૬ (૭-૫), ૧-૬થી હારીને બહાર ફેંકાતા મેજર અપસેટ સર્જાયો હતો.કોરોનાની વેક્સિન ન લેનારા યોકોવિચની આ વર્ષની માત્ર બીજી જ ટુર્નામેન્ટ હતી.યોકોવિચે કોરોનાની વેક્સિન લીધી નહતી.જેના કારણે તેને ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જાળવી શક્યો નહતો.ચાલુ વર્ષે આ અગાઉ તે એકમાત્ર ટુર્નામેન્ટ – દુબઈ ચેમ્પિયનશિપમાં રમી શક્યો હતો.જ્યાં તેને ક્વાર્ટર ફાઈનલમાં ચેક રિપબ્લિકના જીરી વેસ્લીએ હરાવ્યો હતો.હવે મોન્ટે કાર્લોની હારને કારણે તેને ફટકો પડયો હતો.જોકે યોકોવિચ કોરોનાની વેક્સિન લેવા તૈયાર નથી. તેણે જાહેરાત કરી હતી કે, જો રમવા માટે વેક્સિન ફરજીયાત હશે તો હું ગ્રાન્ડ સ્લેમ જેવી ટુર્નામેન્ટ્સ પણ જતી કરવા માટે તૈયાર છું.મોન્ટે કાર્લોમાં બેલ્જીયમના ગોફિને ચેક રિપબ્લિકના લેહેકાને ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો.જ્યારે ઈટાલીના મુસેટ્ટીએ ફ્રાન્સના પાયરેને ૬-૨, ૬-૭ (૪-૭), ૬-૨થી હરાવ્યો હતો.


