લંડન : ટોપ સીડ ધરાવતા સર્બિયાના યોકોવિચે ઓસ્ટ્રેલિયાના બિનક્રમાંકિત ખેલાડી કિગીઓસને ફાઈનલમાં ૪-૬,૬-૩,૬-૪, ૭-૬ (૭-૩)થી હરાવીને વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. યોકોવિચે આ સાથે સળંગ ચોથું અને ઓવરઓલ સાતમું વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતુ.જ્યારે આ તેની કારકિર્દીનું ૨૧મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતુ.હવે તે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં નડાલ(૨૨ ટાઈટલ) પછી બીજા ક્રમે છે.જ્યારે ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતનારો સ્વિસ સ્ટાર ફેડરર ત્રીજા ક્રમે ફેંકાયો હતો.
કારકિર્દીની ૩૨મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલની સફળતા સાથે યોકોવિચે આ સાથે કિર્ગીઓસ સામે કારકિર્દીની ત્રીજી મેચ રમતાં સૌપ્રથમ જીત હાંસલ કરી હતી.વર્લ્ડ રેન્કિંગમાં ૪૦મું સ્થાન ધરાવતા કિર્ગીઓસે કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલના પ્રથમ સેટમાં યોકોવિચને આંચકો આપ્યો હતો.જોકે યોકોવિચે ધીરે ધીરે લય મેળવી લીધી હતી અને બીજો અને ત્રીજો સેટ જીતી લીધો હતો.ચોથા સેટમાં કશ્મકશભર્યા મુકાબલા બાદ આખરે યોકોવિચ વિજેતા બન્યો હતો.તેણે કારકિર્દીનું ૨૧મું ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે ૩ કલાક અને ૧ મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો.તેનું સિઝનનું સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતુ.અમેરિકાએ વેક્સિન ફરજીયાત કરી હોવાથી યોકોવિચ સિઝનની આખરી ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ગુમાવશે તેવું લાગી રહ્યું છે.
યોકોવિચે આ સાથે વિમ્બલ્ડનમાં સળંગ ૨૮મી મેચ જીતી હતી.જ્યારે સેન્ટર કોર્ટના ૧૦૦ વર્ષની ઉજવણી ચાલી રહી છે,ત્યારે યોકોવિચે સેન્ટર કોર્ટમાં સળંગ ૩૯મી જીત હાંસલ કરી હતી.યુક્રેન પર હૂમલો કરનારા રશિયા-બેલારુસના ખેલાડીઓને વિમ્બલડનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.જેના વિરોધ સ્વરૂપે એટીપીએ આ વર્ષે વિમ્બલ્ડનમાં એક પણ રેન્કિંગ પોઈન્ટ આપ્યા ન હતા