સનાતન ધર્મને લઈને ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનથી છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે.આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.વળી આ વિવાદને કારણે દેશના રાજકારણ પણ ડહોળાયું છે.અનેક રાજકારણીઓ આ મુદ્દે પોતાના નિવેદનો આપી રહ્યા છે.તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના માત્ર એક નિવેદને રાજકારણ ગરમાવ્યું છે.તાજેતરમાં જ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનને મુશ્કેલ સ્થિતિમાં મુકી દીધું છે.બીજી બાજુ ભાજપ દ્વારા હિન્દુત્વની પિચને વધુ મજબૂત કરતા આ મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.અનેક રાજકારણીઓ પોતાના નિવદનો આપે છે તેમાં હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સામેલ થયાં છે.તેઓએ આ વિવાદિત નિવેદન અંગે પોતાના મત રજૂ કર્યા છે.
શું કહ્યું હતું ઉધયનિધિ સ્ટાલિને?
સનાતન ધર્મ પરની આ ચર્ચા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનથી શરૂ થઈ હતી.ઉધયનિધિએ એક સંમેલનમાં કહ્યું હતું કે માત્ર સનાતનનો વિરોધ જ ન કરવો જોઈએ પરંતુ તેને નાબૂદ કરી દેવો જોઈએ.સનાતન ધર્મ તો સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે.જ્યારે કોઈ બાબતોનો વિરોધ કરી શકાતો ન ન હોય ત્યારે તેને નાબૂદ કરી દેવો જોઈએ.આપણે ડેન્ગ્યુ,મચ્છર,મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી.આપણે નષ્ટ કરી દેવાના છે.એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવાનો છે.”
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સનાતનને કોઈ મિટાવી શકે નહીં.આ લોકો માત્ર સરકારના કામને ઓછું આંકવા માટે સનાતન ધર્મ તરફ આંગળી ચિંધવાનું કામ કરી રહ્યા છે.પરંતુ વિરોધ કરતી વખતે તેઓ ભૂલી જાય છે કે રાવણને પણ અહંકાર થઇ ગયો હતો.અને હાં, બાબર-ઔરંગઝેબે પણ સનાતનને ખતમ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો છતાં ક્યારેય કોઈ તેને મિટાવી શક્યું નહીં.આવામાં આ તુચ્છ લોકો કેવી રીતે સનાતનને મિટાવી શકશે?
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પ્રહાર કરતાં આ રીતે રાવણ,બાબર અને ઔરંગઝેબ વગેરેનો ઉલ્લેખ તો કર્યો જ સાથે સત્ય હંમેશા એક જ હોય છે એમ કહી વિવાદિત નિવેદનો કરનાર પર પ્રહાર કર્યો હતો.સાથે જ યોગી આદિત્યનાથે સનાતન મુદ્દે નિવેદન કરનારને મૂર્ખ કહ્યા હતા.તેઓએ કહ્યું હતું કે, આ લોકો સૂર્ય પર જ થૂંકવાનું કામ કરી રહ્યા છે.પરંતુ આમ કરતી વખતે તેઓ એ વાત ભૂલી રહ્યા છે કે થૂંક તેમના ઉપર જ પડશે.રાવણે પણ ભગવાનની સામે પોતાના અંહકારમાં પડકાર ફેંક્યો હતો પણ પરિણામ શું આવ્યું? તેનું સર્વસ્વ ખતમ થઈ ગયુ.સનાતન ધર્મ એક એવું સત્ય છે જેને કોઈ નષ્ટ કરી શકશે નહીં.

