ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મંગળવારે વિધાનસભાને જાણકારી આપી કે નાગરિકતા સંશોધન કાયદાની સામે રાજ્યમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન તેમજ ખંભાતમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારની જેમ ઉપદ્રવીઓ પાસેથી નુકસાની વસૂલવાની સંભાવનાઓને તપાસવા માટે રાજ્યની પોલીસને કહેવામાં આવ્યું છે. પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપદ્રવીઓ પાસેથી નુકસાનીની સંભવિત વસૂલી વિશે પોલીસને જરૂરી આદેશ આપ્યો છે. વિપક્ષી કોંગ્રેસ અને સત્તાધારી ભાજપાની વચ્ચે વિધાનસભામાં મંગળવારે દંગાઓને લઈને વિવાદ થઈ ગયો હતો. એક અઠવાડિયા પહેલા આણંદ જિલ્લાના ખંભાતમાં થયેલા દંગાઓએ આખા શહેરને ધ્રૂજાવી દીધું હતું.
કોંગ્રેસ ધારાસભ્યોએ દાવો કર્યો કે, તે લોકોએ સ્થાનિક પોલીસ અને મુખ્યમંત્રીને પણ તેના માટે ચેતવ્યા હતા. તેના પર સત્તાધારી ભાજપાએ વળતો જવાબ આપતા વિપક્ષ પર હિંસા શરૂ થવા પર તટસ્થ નહીં રહેવાનો આરોપ લગાવ્યો. ખંભાત હિંસાના મામલાને અમદાવાદના કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સાર્વજનિક મહત્વના વિષય તરીકે વિધાનસભામાં ઉઠાવ્યો હતો.
23 ફેબ્રુઆરીના રોજ ખંભાતમાં થયેલી આ સાંપ્રદાયિક હિંસામાં લગભગ 60 ઘરો નષ્ટ થઈ ગયા હતા. તો 6 દુકાનોને આગ લગાવી દેવામાં આવી હતી. ખેડાવાલાએ દાવો કર્યો કે પાછલા 11 મહિના દરમિયાન ખંભાતમાં 3 સાંપ્રદાયિક હિંસાઓ થઈ છે.
ખેડાવાલાએ કહ્યું કે, દિલ્હીની જેમ હિંસા પ્રભાવિત વિસ્તારોનું એક સર્વેક્ષણ કરવામાં આવવું જોઈએ અને વળતર આપવું જોઈએ. ઉત્તર પ્રદેશ સરકારના માર્ગે ચાલતા હું ઈચ્છું છું કે ગુજરાત સરકાર હિંસા કરનારાઓ પાસેથી નુકસાનીની વસૂલી કરે. તેનો જવાબ આપતા પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, હિંસાના મામલામાં રાજ્યમાંથી ઓછામાં ઓછા 115 લોકોની ધરપકડ કરવામાં આવી છે.