ગાંધીનગર : ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાતમાં તેની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.જેના સંપૂર્ણ આયોજનની સમીક્ષા કરવા માટે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી.જેમાં ચર્ચાયા મુજબ આ વર્ષે,આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ‘યોગ ફોર હ્યુમેનિટી’(માનવતા માટે યોગ)રાખવામાં આવી છે અને તેની ઉજવણી રાજ્ય કક્ષાથી લઇને જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય સ્તરે કરાશે.જેમાં અંદાજે સવા કરોડ લોકોને સામેલ કરાશે.આમ,આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ પણ એમાં તમામ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપીને વિવિધ સૂચનાઓ જારી કરી હતી. ગુજરાતમાં યોગ દિવસે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ખાસ ઉપસ્થિતિ રહેશે અને એમાં ભારત સરકારના નાણાં રાજ્યમંત્રી ઉપરાંત ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી જોડાશે.એવી જ રીતે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉપસ્થિત રહી સંબોધન કરશે.જેનું પ્રસારણ તમામ સ્થળોએ કરાશે.આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનિક સ્થળોએ પણ ઉજવવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,પંચાયત,મહેસૂલ,આરોગ્યના તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ,પ્રવાસન,પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવો સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.
મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળો,દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો,કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો,માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સ સિટી ખાતે આ દિવસે સામૂહિક યોગ સાધના કાર્યક્રમ થશે.


