કોરોનાની બીજી લહેરના વળતાં પાણી છે ત્યારે હવે ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે તેવો વર્તારો છે,જેને લઈ રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો દ્વારા પણ અગોતરી તૈયારી હાથ ધરવામાં આવી છે.આ સ્થિતિમાં રથયાત્રામાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામવી ન જોઈએ તેવો સ્પષ્ટ મત અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબોના છે.
તબીબોનું સૂચન છે કે, રથયાત્રામાં ભીડ ભેગી ન થાય તે માટે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની હોય ત્યાં કરફ્યૂ લાદવો જોઈએ.તબીબોનું કહેવું છે કે, રથયાત્રામાં માત્ર 50થી વધુ લોકો ન હોવા જોઈએ,માત્ર 50 લોકોને પરમિશન આપવી જોઈએ. એટલું જ નહીં પરંતુ કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા સાધુ સંતોને જ ઉપસ્થિત રહેવાની પરમિશન મળવી જોઈએ.
રથયાત્રામાં જે સાધુ સંતો જોડાવાના હોય તેમનો 72 કલાક પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટ થવો જોઈએ.જે રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તો કોરોનાની ત્રીજી લહેર દૂર નથી.આમ રથયાત્રા જ્યાંથી પસાર થવાની હોય તે વિસ્તારોમાં ભીડ એકત્ર ન થાય તે માટે કરફ્યૂ લાદવો જોઈએ તેવો તબીબોનો મત છે.મહત્વનું છે કે, ગત વર્ષે પણ કોરોના મહામારીના કારણે રથયાત્રા યોજાઈ નહોતી.


