અમદાવાદ : બે વર્ષ બાદ અમદાવાદ શહેરની ઓળખ સમાન રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે.ભગવાન જગન્નાથ ખુદ શહેરીજનોને દર્શન આપવા માટે બહાર નીકળશે. જેને લઇને લોકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે.રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ઘટે નહીં તે માટે પોલીસે કવાયત શરૂ કરી છે.ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી અને આખી રાત ઇન્સ્પેક્ટરોથી માંડીને તમામ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું.તમામ પોઈન્ટ પર ફાળવેલા બંદોબસ્ત અને પોઇન્ટનું મહત્ત્વ સમજવાનો પ્રયાસ કર્યો હતો.રથયાત્રામાં કોઈપણ પ્રકારની ચૂક રહી જાય નહીં તે માટે તમામ સિનિયર અધિકારીઓ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક બાબતથી પોલીસ કમિશનરની માહિતી તૈયાર કરવામાં આવી રહ્યા છે.પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત સંજય શ્રીવાસ્તવ રોડ પર જોવા મળ્યા હતા.રથયાત્રા પૂર્વે પોલીસની તૈયારી કેવી છે તમામ અધિકારીઓએ કેવું પ્લાનિંગ કર્યું છે અને તેઓ કોઈ સૂચન આપવા માંગતા હોય તો તેઓ સાથે મળીને રથયાત્રાના મુદ્દે ચર્ચા કરી શકે તેના માટે શનિવારે રાત્રે જગન્નાથ મંદિર ખાતે શહેરના તમામ ઇન્સ્પેક્ટરથી લઈને ઉપરી અધિકારીઓની એક મીટિંગ જગન્નાથ મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી.
શહેરના તમામ ઇન્સ્પેક્ટર,એસીપી,ડીસીપી તથા સંયુક્ત પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર 11 વાગ્યે જગન્નાથ મંદિરે હાજર થઇ ગયા હતા.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રથયાત્રાની તૈયારી અંગે તમામ પાસેથી રિપોર્ટ મેળવ્યો હતો.તમામ અધિકારીઓની ટીમ સાથે જમાલપુર પગથિયાં,કોર્પોરેશન બિલ્ડિંગ,કાલુપુર,સરસપુર ત્યારબાદ દરિયાપુર તંબુ ચોકી અને શાહપુર અડ્ડા પર ટીમ સાથે જાતે જ પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.સંજય શ્રીવાસ્તવ તમામ પોઇન્ટની ઝીણવટભરી માહિતી મેળવ્યા બાદ જરૂર પડે ત્યાં સૂચન પણ કર્યા હતા આ ઉપરાંત પેટ્રોલિંગ પૂરું કરીને સવારે સાડા ચાર વાગ્યે તમામ અધિકારીઓ જગન્નાથ મંદિર કોન્ફરન્સ હોલમાં ભેગા થયા હતા જ્યાં તમામ ડીસીપી અને જેસીપીએ ઇન્સ્પેક્ટરો અને એસીબીને જરૂરી સૂચનો કર્યા હતા.ચાલુ વર્ષે રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ ગંભીર હોય તેમ લાગી રહ્યું છે જેને કારણે આ પ્રકારનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે રાત્રે પોલીસ કમિશનર સહિત અજય ચૌધરી મયંક ચાવડા,ગૌતમ પરમાર,રાજેન્દ્ર અસારી,પ્રેમવીર સિંઘ,ચૈતન્ય માંડલીક,ભગીરથ સિંહ જાડેજા,મુકેશ પટેલ,ભગીરથ ગઢવી,લવિના સિંહા,ભારતી પંડ્યા,કાનન દેસાઈ,અશોક મુનિયા સહિતના અધિકારીઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
રથયાત્રાના રૂટ પર કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવે નહીં તે માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.પોલીસ અધિકારીઓને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી તમામ ગલીઓ અને તમામ મકાનોના ધાબા,છત પર નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.જો કોઈપણ વસ્તુ કે વ્યક્તિને શંકાસ્પદ ચહલ-પહલ દેખાય તો તાકીદે ત્યાં તપાસ કરીને ઉચ્ચ અધિકારીઓને તેનો રિપોર્ટ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે રથયાત્રા સુધી તમામ વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે.