અમદાવાદ,તા. 4 મે 2022, બુધવાર : પોલીસ કમિશનર કચેરીની પાછળ દુધેશ્વરમાં મહાકાળી મંદિર જવાના રસ્તા પર 17 વર્ષીય કિશોરની ચાકૂના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણે હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી, મંગળવારે રાત્રે 9 વાગ્યે બનેલા હત્યાના બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.દુધેશ્વર રોડ પર શાહી મસ્જિદ પાસે રહેતાં મો.સારીદ હુસેનભાઈ સંધી (ઉં,19)એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફીરોઝ ઉર્ફ બાબા ગોલ્ડન સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.જે મુજબ મો.સારીદના નાના ભાઈ તાહીર ઉર્ફ મો.અયાન સંઘીને આરોપી બાબા ગોલ્ડને હાથ પર અને પેટમાં નાભીના ભાગ પર છરીના ઘા માર્યા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત તાહીરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.સારવાર દરમિયાન તારીકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.બનાવની વિગત મુજબ આરોપી બાબા ગોલ્ડન રાત્રીના મૃતકના ઘરે પહોંચ્યો હતો.આરોપીએ તારીકની માતાને જણાવ્યું કે, તારો છોકરો કયાં છે, આજે હું તેને મારી નાંખીશ.બાદમાં આરોપીએ તાહીરની હત્યા કરી નાંખી હતી.રમઝાન ઈદના તહેવારમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ હોવા છતાં પોલીસ કમિશનર ઓફિસ પાછળ સગીરની હત્યાના આ બનાવે અનેક સવાલો ઊભા કર્યા છે.


