મુંબઇ, તા.21 ડિસેમ્બર : વર્તમાન નાણાકીય વર્ષમાં ચલણી નોટો છાપવાનો લક્ષ્યાંક (ટાર્ગેટ) પૂરો કરવા નાશિક સ્થિત કરન્સી નોટ પ્રેસ (સીએનપી) હવે રવિવારના દિવસોએ પણ કામકાજ કરે છે. વિવિધ મૂલ્યની નોટોનું મુદ્રણ કરતો આ પ્રેસ સરકારી માલિકીના સિક્યુરિટિ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (એસપીએમસીઆઇએલ)નું એક એકમ છે.
ભારતીય રીઝર્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષમાં ૫૧૦ કરોડ ચલણી નોટ છાપવાનો લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે.વર્તમાન નાણાકીય વર્ષનો ત્રીજો ત્રિમાસિક ભાગ (નવ મહિના) પૂરો થયો છે અને હવે આ વર્ષ પૂરું થવામાં છે ત્યારે સીએનપી-નાશિક તેના લક્ષ્યાંકને માત્ર ૫૦ ટકા જ પૂરો કરી શક્યો છે.લોક ડાઉનને કારણે ૨૨મી માર્ચથી લગભગ બે મહિના આ પ્રેસ બંધ હતો.બાદમાં મેના બીજા પખવાડિયામાં તેનું કામકાજ મર્યાદિત કર્મચારીઓ સાથે ફરી શરૃ કરવામાં આવ્યું હતું. એમ એસપીએમસીઆઇએલના સૂત્રોએ જણાવ્યું હતું.
નાશિક પ્રેસે તેના લક્ષ્યાંક મુજબ રૃા. એક્સો અને રૃા. ૫૦ના મૂલ્યની નોટોનું છાપકામ પૂરુ કર્યુ છે.અને હાલમાં રૃા. ૫૦૦ તથા રૃા.૨૦ની નોટો છપાય છે.ત્યારબાદ રૃા. ૨૦૦ તથા રૃા. દસના મૂલ્યની છપાઇ હાથ ધરાશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.હાલ આ પ્રેસમાં ૨૩૦૦ કાયમ ધોરણના કર્મચારીઓ છે.

