અનેક વિસ્તારોમાં સવારે લોકો ઊઠ્યા ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ જોઈને ચોંકી ગયા,બેઝમેન્ટમાં પાણી ભરાતાં કેટલીયે દુકાનો અને અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ રવિવારની મોડી રાતે પડેલા આઠ ઇંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું હતું.અનેક વિસ્તારમાં ગઈ કાલે સવારે શહેરીજનો ઊંઘમાંથી ઊઠ્યા ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ જોઈને ચોંકી ગયા હતા.શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. એટલું જ નહીં,પરંતુ કમર્શિયલ કૉમ્પ્લેક્સ તેમ જ સંખ્યાબંધ ફ્લૅટના બેઝમેન્ટમાં પાણી ભરાતાં અનેક દુકાન અને ગાડી ડૂબી ગઈ હતી તેમ જ શહેરમાં પડેલા ભૂવાના કારણે એમાં ગાડીઓ પડી ગઈ હતી. રવિવારે રાતે અમદાવાદમાં પડેલા આઠ ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધુ હતું.
શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયાં હતાં.રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદને કારણે સૅટેલાઇટ, પ્રહ્લાદનગર,એસ.જી.હાઇવે,બોપલ,શેલા,વેજલપુર,આનંદનગર,સાયન્સ સિટી, ઓઢવ,મણિનગર સહિતના વિસ્તાર જળમગ્ન બન્યા હતા.રવિવારે પડેલા વરસાદને કારણે શહેરના વાસણા બેરેજના બે દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવ્યા હતા.શહેરમાં પરિમલ અન્ડરપાસ અને દક્ષિણી અન્ડરપાસ બંધ કરાયા હતા.શહેરમાં ૭૮ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં અને ચાર વૃક્ષ ઊખડી ગયાં હતાં.