નવી દિલ્હી, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને લાગે છે કે,ટીમ ઈન્ડિયાને આગામી T20 વર્લ્ડ કપમાં નંબર-6 પર ઓલરાઉન્ડરની જરૂર છે.હાર્દિક પંડ્યા તેની પીઠની ઈજાની સારવાર બાદ યોગ્ય રીતે બોલિંગ નથી કરી શકતો.એટલું જ નહીં તેમને આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં વૈકલ્પિક બેટ્સમેન તરીકે સામેલ કરવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
આગામી ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાવાનો છે.ભારતીય ટિમે છેલ્લી ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલ સુધી પણ પહોંચી શકી નહતી જેનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું.ત્યારે ટીમની કમાન વિરાટ કોહલી સંભાળી રહ્યા હતા.હવે રોહિત શર્માના ખભા પર મહત્વની જવાબદારી રહેશે.આ દરમિયાન ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીઓ માટે આઈપીએલ દરમિયાન આતુરતાથી વિચાર કરશે જે નંબર-6 સ્લોટમાં ફીટ થઈ શકે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે,મને લાગે છે કે,નંબર-6 પર ઓલરાઉન્ડરની જરૂર ચોક્કસપણે છે.આદર્શ રીતે ટોપ-5માં કોઈ હોવું જોઈએ જે 2-3 ઓવર ફેંકી શકે.જેના કારણે કેપ્ટન પરથી દબાણ હટી જાય છે. આનાથી કેપ્ટનને વૈકલ્પિક રીતે એક વધારાનો બોલર મળે છે જેમાંથી તે પસંદ કરી શકે છે.
પૂર્વ ભારતીય કોચે આગળ જણાવ્યું કે,બોલિંગ અને ફિલ્ડીંગ જેને હું ખૂબ જ નજીકથી જોઈ રહ્યો છું.હકીકતમાં હું બેટિંગને લઈને ચિંતિત નથી,બોલર ઘણા છે.હાર્દિક પંડ્યાને જ્યાં સુધી તેની પીઠમાં એક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું ન હતું ત્યાં સુધી તે સારું પ્રદર્શન કરી રહ્યો હતો.સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો હતો અને જ્યારે તે ટીમમાં પરત ફર્યો ત્યારે પણ તે બોલિંગ નહોતો કરી શકતો.
હાર્દિકને હવે આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.તે પ્રથમ વખત આ T20 લીગમાં કેપ્ટન તરીકે નજર આવશે.જોકે,શાસ્ત્રીને હજુ પણ લાગે છે કે,હાર્દિક ભારતીય T20 ટીમમાં શુદ્ધ બેટ્સમેન તરીકે સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરશે કારણ કે ટીમમાં પહેલાથી જ પાવર-હિટર હાજર છે.