કીવ, તા.૨૪ : યુક્રેન પર રશિયાના હુમલા યથવાત્ ચાલી રહ્યા છે.બંને દેશો વચ્ચે શાંતિમંત્રણાના કોઈ સંકેતો જોવા મળતા નથી.આવા સમયે રશિયન સૈન્યનો મજબૂતીથી સામનો કરતા યુક્રેને રવિવારે ખેરસનમાં રશિયાની એક કમાન્ડ ચોકી પર હુમલો કરીને તેને તોડી પાડી હતી.દક્ષિણી યુક્રેનનું આ શહેર શરૂઆતથી જ રશિયન કબજામાં જતું રહ્યું હતું.જોકે, યુક્રેનના આ હુમલામાં બે જનરલ માર્યા ગયા હતા. બીજીબાજુ રશિયાએ દક્ષિણ યુક્રેનમાં ડીનિપ્રો શહેરમાં એક વિસ્ફોટકો બનાવતી ફેક્ટરી, આર્ટીલરી ડેપો સહિત સેંકડો સૈન્ય સંસ્થાનો ઉડાવી દીધા હતા.રશિયન સૈન્યે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના ૪૨૩ ટાર્ગેટ્સ ઉડાવી દીધા હતા.યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના સલાહકાર ઓલેક્સી અરેસ્તોવિચે જણાવ્યું હતું કે, રશિયન ચોકી પર હુમલા સમયે કમાન્ડ સેન્ટરમાં રશિયાના ૫૦ વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. જોકે, યુક્રેનના આ દાવા અંગે રશિયન સૈન્યે કોઈ ટીપ્પણી કરી નથી.રશિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે સામે આવી રહેલા નવા પુરાવાથી જાણવા મળે છે કે રશિયન સૈન્યે મારિયુપોલમાં હજારો નાગરિકોની હત્યા કરી છે.ઉપગ્રહથી લેવાયેલી તસવીરોમાં મારિયુપોલના પશ્ચિમી અને પૂર્વીય શહેરોમાં સામુહિક કબરો જોવા મળી છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ મારિયુપોલ છોડી ભાગવા માગતા યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરીને શહેર નજીક ‘નજરબંદી શિવિર’ બનાવ્યા છે.આ શિબિરોમાં રહેનારા લોકોને રશિયાના કબજાવાળા વિસ્તારો અથવા રશિયા મોકલી દેવાય છે.બીજીબાજુ રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજ.જનરલ આઈગોર કોનાશ્નેકોવે રવિવારે જણાવ્યું કે, મધ્ય યુક્રેનમાં ડીનિપ્રોમાં પાવલોહાર્ડ નજીક વિસ્ફોટકો બનાવતી એક ફેક્ટરીને રશિયન સૈન્યે તોડી પાડી છે.વધુમાં રશિયન દળોએ ખારકીવ પ્રાંતમાં બાર્વિન્કોવ, નોવા ડીમીત્રિવ્કા, ઈવાનિવ્કા, હુસારિવ્કા અને વેલીકા કોમીશુવાખામાં આર્ટીલરી અને રોકેટ હુમલા સાથે કેટલાક ડેપો ઉડાવી દીધા છે.તેમણે ઉમેર્યું કે રશિયન આર્ટીલરીએ રાતોરાત ૪૨૩ યુક્રેનિયન ટાર્ગેટ્સ તોડી પાડયા છે જ્યારે રશિયન વિમાનોએ ૨૬ યુક્રેનિયન મિલિટરી ટાર્ગેટ્સનો નાશ કર્યો છે.વધુમાં રશિયાએ દાવો કર્યો હતો કે તેણે ૨૪મી ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં તેના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારોમાંથી અંદાજે ૯,૫૧,૦૦૦ નાગરિકોને બળજબરી રશિયા ડીપોર્ટ કર્યા છે, જેમાં ૧,૭૪,૬૮૯ બાળકોનો સમાવેશ થાય છે.
દરમિયાન રશિયાના હુમલા વચ્ચે ઝેપોરિઝસ્ટલ સ્ટીલ મીલે લગભગ એક મહિના પછી ઉત્પાદન શરૂ કર્યું છે અને ૫૦ ટકા ઉત્પાદન ક્ષમતા સુધી કામકાજ શરૂ થયું છે.યુક્રેનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક ઝેપોરિઝસ્ટલ પ્લાન્ટના સીઈઓ ઓલેક્સાન્દ્ર મિરોનેન્કોએ જણાવ્યું હતું કે, ઝેપોરિજ્જિયામાંથી ફ્રન્ટલાઈનની મુવમેન્ટ પછી અમે ઉત્પાદન ફરીથી શરૂ કરી શકીશું.યુક્રેનના સૈન્યે દાવો કર્યો હતો કે, કાળા સમુદ્રમાં હજુ રશિયાના બે ડઝનથી વધુ જહાજો તૈનાત છે, જેમાં મિસાઈલ સબમરીન્સનો સમાવેશ થાય છે. આ યુદ્ધ જહાજો પરથી હજુ પણ યુક્રેન પર મિસાઈલ હુમલાનું જોખમ રહેલું છે.
દરમિયાન યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સમાવેશનો ઓસ્ટ્રિયાએ વિરોધ કર્યો છે.ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર સ્કેલનબર્ગે કહ્યું કે, જૂનમાં યુક્રેનને યુરોપીયન યુનિયનનું સભ્યપદ આપવું ન જોઈએ.જોકે, ઓસ્ટ્રિયાના આ વલણની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ટીકા કરી હતી.


