24મી માર્ચ, 2022 ગુરૂવાર અમદાવાદ : અમુક પશ્ચિમી દેશોને ગેસના નિકાસની ચૂકવણી માત્ર રશિયાના સ્થાનિક ચલણમાં કરવાના સરકારના ફરમાન બાદ બુધવારે રૂબલના ભાવમાં તેજીનો વંટોળ જોવા મળ્યો હતો.
રશિયન ચલણ ડોલર સામે 95 રૂબલની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.યુરોપના ચલણ યુરો સામે પણ રૂબલ 3.5% વધ્યું હતું,જે 110.5 રૂબલ પ્રતિ યુરો પર ટ્રેડ કરી રહ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે લાદવામાં આવેલ પ્રતિબંધોને કારણે આ મહિનાની શરૂઆતમાં રૂબલ ઐતિહાસિક નીચલી સપાટીએ ગબડ્યો હતો.પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયન અર્થતંત્રને મસમોટો ફટકો લાગ્યો છે. 7 માર્ચે ડોલરની સામે 132 રૂબલ અને યુરો દીઠ 147 રૂબલના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો જે ફેબુઆરી મહિનામાં અનુક્રમે 75 અને 85 રૂબલ પર હતો.
રશિયન પ્રમુખે સેન્ટ્રલ બેંક અને સરકારને રશિયન ગેસના ખરીદદારો દ્વારા સ્થાનિક બજારમાં રૂબલની ખરીદી માટે કામગીરીનો ક્રમ એક અઠવાડિયાની અંદર નક્કી કરવા સૂચના આપી હતી.પુતિને ઉમેર્યું હતું કે રશિયા વોલ્યુમો અનુસાર અને કરારમાં નિષ્કર્ષિત કિંમતના સિદ્ધાંતો અનુસાર ગેસ સપ્લાય કરવાનું ચાલુ રાખશે.માત્ર ચુકવણીનું ચલણ બદલાશે.


