પોક્રોવ્સ્ક : રશિયાએ યુક્રેનના શસ્ત્રો માટે ગેટવે બનેલા પોલેન્ડ અને બલ્ગેરિયાને આપવામાં આવતા પુરવઠામાં નોંધપાત્ર કાપ મૂકતા વર્તમાન યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે.યુરોપે આને બ્લેકમેઇલિંગ તથા યુરોપીયન દેશોને એકબીજા સામે મૂકવાનો પ્રયાસ ગણાવ્યો છે.રશિયાએ પૂર્વી યુક્રેનમાં તેના હુમલા વધારે તીવ્ર બનાવતા લોકો જવા માંડયા છે.જ્યારે ઝેલેન્સ્કીએ ચેર્નોબિલ અંગે ચેતવણી આપી છે.અમેરિકા અને યુરોપના સહયોગીઓ દ્વારા યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની ઝડપ વધારવાના નિર્ણયના દિવસ પછી રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને આપવામાં આવતા ગેસના પુરવઠામાં કાપ મૂકવાની સાથે તેને સંપૂર્ણ બંધ કરવાની ધમકી આપી છે.તેની ધમકી છે કે જો યુરોપ યુક્રેનને ટેકો આપવાનું બંધ નહી કરે તો ગેસનો પુરવઠો સદંતર બંધ કરવામાં આવશે.
પોલેન્ડ તેની ગેસની કુલ જરુરિયાતના ૪૫ ટકાની અને બલ્ગેરિયા ૯૦ ટકાની રશિયાથી આયાત કરે છે.સ્પેને તો તેના માટે વૈકલ્પિક સંસાધન તૈયાર રાખ્યા છે.તેની પાસે મોટાપાયા પર કોલસો છે અને ઓઇલ ભંડાર પણ છે.તેમાથી બે પાઇપલાઇન શરૂ થવાની છે.પણ વધારે તકલીફ બલ્ગેરિયાને પડવાની છે.જો કે રશિયાને પોતે પણ આ પગલાંથી દરરોજનો ૪૦ કરોડ ડોલરનો ફટકો પડશે.તેના અર્થતંત્ર પર પણ અસર પડશે.યુદ્ધના મોરચે જોઈએ તો રશિયાનો દાવો છે કે તેના હુમલામાં અમેરિકા અને યુરોપીયન સંઘે પૂરા પાડેલા શસ્ત્રોના જથ્થાને મોટાપાયા પર નુકસાન પહોંચ્યું છે.જ્યારે યુક્રેને તેના ઓઇલ ડેપો પર હુમલા કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (આઇએઇએ)ના વડા રાફેલ ગ્રોસીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયન કબ્જા હેઠળના પરમાણુ મથકમાં સલામતીનું સ્તર દિનપ્રતિદિન ઘટી રહ્યું છે. આ દરમિયાન આશ્ચર્યજનક રીતે મોસ્કો અને વોશિંગ્ટને કેદીઓની અદલાબદલી કરી હતી.પશ્ચિમી શસ્ત્રોની મદદથી યુક્રેને કીવ બચાવવામાં સફળતા મેળવતા રશિયાએ તેની વ્યૂહરચના બદલીને રશિયન ભાષા બોલતા ડોનબાસ અને લુહાંત્સ્કને જ સ્વતંત્ર કરાવી તેનામાં ભેળવી દેવા પર ધ્યાન આપ્યું છે.યુરોપીયન દેશો દ્વારા પણ રશિયા પરના અવલંબનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રશિયાએ યુક્રેનની દક્ષિણે આવેલા શહેર મારિયુપોલના એઝોવ સ્ટીલ પ્લાન્ટમા છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ એરસ્ટ્રાઇક કરી છે.આ પ્લાન્ટ યુક્રેનિયન ફાઇટરના આખરી ગઢ તરીકે જાણીતો છે.તેમા હજાર નાગરિકો પણ છે.જો કે રશિયાએ તેમના માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.