કીવ, તા. ૧૭ : યુક્રેન પર આક્રમણ કર્યાના લગભગ બે મહિનામાં રશિયાને પહેલી વખત એક મોટા શહેર પર કબજો કરવામાં સફળતા મળી છે.રશિયન સૈન્યે રવિવારે દક્ષિણ યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલની સ્ટીલ ફેક્ટરી તોડી પાડી હતી.છ સપ્તાહની ઘેરાબંદીનો સામનો કરી રહેલા મારિયુપોલ પર કબજાથી રશિયા માટે યુક્રેનના પૂર્વીય ભાગમાં મોટાપાયે આક્રમણ કરવાનું સરળ બનશે.વધુમાં રશિયન સૈન્ય આકાશમાંથી ફોસ્ફરસ બોમ્બ વરસાવી રહી હોવાનો યુક્રેનના નાગરીકોએ દાવો કર્યો છે.આ સાથે રશિયાએ કીવ સહિત યુક્રેનના અન્ય શહેરો પર હુમલા વધાર્યા છે અને હથિયારોનો એક પ્લાન્ટ ઉડાવી દીધો હતો.
રશિયન સૈન્યે રવિવારે જણાવ્યું કે, તેણે યુક્રેનના પોર્ટ સિટી પર કબોજ કરી લીધો છે હવે માત્ર અજોવની ઈસ્પાત મીલમાં યુક્રેનના કેટલાક સૈનિકો છુપાયેલા છે.રશિયાએ તેમને રવિવારે બપોર સુધીમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી.જોકે, યુક્રેનના સૈનિકોએ રશિયાની ચેતવણી ફગાવતા કહ્યું કે તેઓ મરી જશે અથવા મારિયુપોલને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી લડતા રહેશે.બીજીબાજુ રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ આઈગોર કોનાશ્નેકોવે જણાવ્યું હતું કે, સૈન્યનો પ્રતિકાર કરનારાનો સફાયો કરી દેવાશે.યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ બે મહિના થઈ ગયા છે ત્યારે યુક્રેનના એક મોટા શહેર પર કબજો રશિયા માટે ખૂબ જ મહત્વની બાબત છે.વધુમાં કાળા સમુદ્રમાં તેનું ફ્લેગશિપ જહાજ મોસ્કવા ડૂબી ગયા પછી રશિયાએ ફરી એક વખત કીવને નિશાન બનાવ્યું છે.રશિયાએ રવિવારે કીવ નજીક ગાઈડેડ મિસાઈલો સાથે હથિયારો બનાવતો એક પ્લાન્ટ ઉડાવી દીધો હતો.રશિયન સૈન્યે પૂર્વમાં સૈવૈરોડોનેટ્સ્ક નજીક યુક્રેનની એર ડિફેન્સ રડાર ઈક્વિપમેન્ટ તેમજ કેટલાક દારૂગોળાનો ડેપો તોડી પાડયાનો દાવો કર્યો હતો.યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયા ઈરાદાપૂર્વક ત્યાં હાજર દરેક વ્યક્તિને ખતમ કરવા માગે છે.અજોવ સાગરના પોર્ટ સિટી મારિયુપોલને બચાવવા માટે યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી વધુ હથિયારોની મદદની જરૂર છે.મારિયુપોલમાં દેશના બધા જ લોકોને નિશાન બનાવાઈ રહ્યા છે.તેનાથી રશિયા સાથે શાંતિ મંત્રણાના પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ શકે છે.મારિયુપોલમાં સ્થિતિ અમાનવીય છે.તેમણે વધુ એક વખત દુનિયાને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના પરમાણુ હુમલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી.રશિયાના અવિરત હુમલાનો સામનો કરી રહેલા મારિયુપોલે યુદ્ધની ભયાનક કિંમત ચૂકવવી પડી છે.યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈન્યે અંદાજે ૨૧,૦૦૦ લોકોને મારી નાંખ્યા છે.યુદ્ધ પહેલાં અંદાજે ૪.૫૦ લાખની વસતી ધરાવતા શહેરમાં હજુ ૧,૦૦,૦૦૦ લોકો હોવાનું જણાવાય છે અને તેઓ ભોજન, પાણી અથવા વીજળી વિના ફસાઈ ગયા છે.દરમિયાન યુક્રેનમાં ચાલતા યુદ્ધમાં રશિયન સૈન્યે ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે.રશિયન મીડિયા મુજબ મેજર જનરલ બ્લાદિમીર ફ્રોલોવ ૮મી સેનાના ઉપકમાન્ડર હતા તેમને શનિવારે સેન્ટ પીટરબર્ગમાં દફનાવાયા હતા.યુક્રેનના સૈન્યે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયન સૈન્યના આઠ જનરલ અને ૩૪ કર્નલ માર્યા ગયા છે.તાજા રિપોર્ટ મુજબ યુદ્ધ દરમિયાન રશિયાની ટેન્ક બટાલિયનના કમાન્ડર મિરાસ બાશાકોવનું પણ મોત થઈ ગયું છે.તે યુક્રેનમાં મરનારા રશિયન સૈન્યના ૩૪મા કર્નલ હતા.આ યુદ્ધમાં રશિયન સૈન્યની ટોપ લીડરશિપના ૪૨ અધિકારીઓ માર્યા ગયા છે.
રશિયાએ મારિયુપોલ શહેર કબજે કર્યું, ઝેપોરેજિયામાં ફોસ્ફરસ બોમ્બથી હુમલો

Leave a Comment