મોસ્કો, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.યુક્રેન પર આક્રમણ કરવાના નિર્ણયના કારણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વમાં એકલા પડી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે મોસ્કોના પ્રખ્યાત બિઝનેસમેન એલેક્સ કોનાનીખિન (Alex Konanykhin)એ પુતિનની ધરપકડ કરનારાને કરોડો રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.કોનાનીખિનના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરશે તો પોતે તેને 7.5 કરોડ રૂપિયાનું ઈનામ આપશે.
એલેક્સ કોનાનીખિને લિંકડિન પર આ પોસ્ટ કરી છે.આ પોસ્ટની સાથે જ વ્લાદિમીર પુતિનનો ફોટો પણ લગાવ્યો છે અને લખ્યું છે કે,જીવતો કે મરેલો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે,’હું વચન આપું છું કે,જે પણ અધિકારી પોતાની બંધારણીય ફરજનું પાલન કરશે તથા પુતિનની એક યુદ્ધ અપરાધી તરીકે રશિયન અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ધરપકડ કરશે તેને હું 10 લાખ ડોલર આપીશ.’
વધુમાં લખ્યું છે કે,’પુતિન રશિયાના રાષ્ટ્રપતિ નથી.તેમણે સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત રશિયાના અનેક એપાર્ટમેન્ટ,બિલ્ડિંગ ઉડાવી દીધા. ત્યાર બાદ તેમણે ઈલેક્શન ન કરાવ્યા,બંધારણનું ઉલ્લંઘન કર્યું, તેમણે પોતાના વિરોધીઓની હત્યા કરાવી.’
એલેક્સ કોનાનીખિને લખ્યું હતું કે,’રશિયાના નાગરિક હોવાના નાતે આ મારૂં નૈતિક કર્તવ્ય છે કે,રશિયાને નાઝીવાદ અને તેના પ્રભાવમાંથી છુટકારો અપાવવા માટે હું મદદ કરૂં.યુક્રેને આ યુદ્ધમાં એક નાયક તરીકે પુતિન સામે પોતાનો પક્ષ રજૂ કર્યો.’
એલેક્સ કોનાનીખિનને પહેલેથી જ રશિયન સરકાર સામે તણાવ રહ્યો છે.1996માં છપાયેલા વોશિંગ્ટન પોસ્ટના એક આર્ટિકલ પ્રમાણે એલેક્સે મોસ્કો ફિઝિક્સ એન્ડ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કર્યો,પરંતુ તેમના અભ્યાસ પર પ્રતિબંધ મુકી દેવાયો.ત્યાર બાદ તેમણે સ્ટુડન્ટ કંસ્ટ્રક્શન કોઓપરેટિવની શરૂઆત કરી. તેમણે અન્ય કેટલાય બીજા વેપારો પણ કર્યા.તેમાં બેન્કિંગ,સ્ટોક્સ અને રિલય એસ્ટેટનો સમાવેશ થાય છે.25 વર્ષની ઉંમરે પહોંચવા સુધીમાં તેમના પાસે 100 ફર્મ હતી.