નવી દિલ્હી,તા.25 માર્ચ 2022,શુક્રવાર : એક મહિના પછી પણ રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધનો અંત આવતો દેખાઈ રહ્યો નથી અને બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.
જેનાથી જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ છે.સંરક્ષણ મંત્રી ક્યાં છે તે અંગે કોઈ મગનુ નામ મરી પાડી રહ્યુ નથી.પુતિનની નજીકના મનાતા શોઈગુ તાજેતરમાં બહુ ઓછી વખત દુનિયા સામે આવ્યા છે.
આ પહેલા રશિયાના એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ હતુ કે,શોઈગુની તબિયત બહુ ખરાબ છે.છેલ્લા 18 માર્ચે તેઓ રશિયાની એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં દેખાયા હતા પણ રશિયન પત્રકારોનો દાવો છે કે, આ કાર્યક્રમ 11 માર્ચે રેકોર્ડ કરાયો હતો.
શોઈગુએ તો અમેરિકા દ્વારા કરાયેલા ફોનનો જવાબ પણ આપ્યો નથી.યુક્રેનના સંરક્ષણ સચિવ ઓલેક્સી ડેનિલોવનુ કહેવુ છે કે,રશિયન સરકાર તેમના માથે દોષનો ટોપલો નાંખી રહી છે તેવુ લાગી રહ્યુ છે. કારણકે રશિયની સૈન્યને યુક્રેનમાં સફળતા મળી રહી નથી.
ડેનિલોવે કહ્યુ હતુ કે,સંરક્ષણ મંત્રી જ નહી પણ રશિયન સેનાના કેટલાક ટોચના અધિકારીઓ પણ ગાયબ છે.આ સિવાય કેટલાય સૈન્ય અધિકારીઓની બદલી કરવામાં આવી છે.