મોસ્કો : આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટેના ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે.ત્યારે આ બધા વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસની વધુ એક વેક્સીન બનાવી દીધી છે.પ્રાથમિક પરીક્ષણ બાદ રશિયાએ પોતાની બીજી કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે.
રશિયન રાષ્ટ્રપતિએ કરી જાહેરાત
સરકારી અધિકારીઓ સાથે બેઠક દરમ્યાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જાહેરાત કરી હતી કે દેશે બીજી કોરોના વેક્સીન EpiVacCorona ને પ્રારંભિક ટ્રાયલ બાદ મંજૂરી આપી દીધી છે.જણાવી દઈએ કે આ પહેલા રશિયાએ કોરોનાની સ્પુતનિક-5 વેક્સીન બનાવી હતી.
100 વોલન્ટિયર્સ પર કરાયા ટેસ્ટ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે હવે આપણે પહેલી અને બીજી કોરોના વેક્સીનનું ઉત્પાદન વધારવાની જરૂર છે.આ વેક્સીન સાઈબેરિયા સ્થિત વેક્ટર ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે.જે પેપ્ટાઈડ આધારિત છે અને કોરોના સામે રક્ષા માટે આ વેક્સીનના 2 ડોઝ આપવા પડશે.આ વેક્સીનના 100 વોલન્ટિયર્સ પર ટેસ્ટ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક ટ્રાયલ સફળ થતા મંજૂરી
સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, 2 મહિના સુધી આ વેક્સીનનું ટ્રાયલ ચાલ્યું અને 2 સપ્તાહ પહેલા તેના પ્રાથમિક અધ્યયનને પૂર્ણ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ હવે તેને મંજૂરી આપી દેવામાં આવી છે.જાણવા મળી રહ્યું છે કે આ વેક્સીન પ્રાથમિક ટ્રાયલમાં સફળ રહી છે અને આ ટ્રાયલમાં ભાગ લેનાર વોલન્ટિયર્સની ઉમર 18 થી 60 વચ્ચે હતી.
વેક્સીનના પરિણામો હજુ જાહેર નથી કરાયા
જોકે, વૈજ્ઞાનિકોએ હજુ સુધી અભ્યાસના પરિણામો જાહેર કર્યા નથી.મીડિયા સાથે વાતચીતમાં વેક્સીન વિકસિત કરનાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ કોરોના વાયરસ સામે વ્યક્તિનું રક્ષણ કરવા માટે જરૂરી એન્ટિબૉડીનું સર્જન કરે છે અને જે પ્રતિરક્ષા બનાવે છે જે 6 મહિના સુધી રહી શકે છે.


