નવી દિલ્હી : યુક્રેન પર હુમલાને કારણે અમેરિકા,બ્રિટન પછી યુરોપીયન સંઘે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે.આ સાથે અમેરિકા વિશ્વના અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવા અંગે ચેતવણી આપી છે. જોકે,અમેરિકાની ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યું છે અને હવે ભારતે રશિયા પાસેથી ખાતરની ખરીદી માટે સોદો કર્યો છે.બીજીબાજુ ક્રૂડની આયાત પર જંગી કાપ મૂકી રશિયાને ફટકો પહોંચાડવાના યુરોપના નિર્ણય પછી વિદેશ મંત્રી જયશંકર પૂર્વીય યુરોપના પ્રવાસે રવાના થયા છે.યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે દુનિયામાં ખાતરના ભાવમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે.પરિણામે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની સમસ્યાઓ વધી ગઈ છે.વિશ્વમાં રશિયા ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે,પરંતુ પ્રતિબંધોના કારણે હવે તે વિશ્વમાં ખાતરનું વેચાણ કરવા સક્ષમ નથી.જોકે,પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે ભારતે રશિયા પાસે અનેક વર્ષો સુધી ખાતરનો પૂરવટો મળી રહે તે માટે એક મોટા સોદાને અંતિમ ઓપ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યુક્રેન પર હુમલાના કારણે મૂકાયેલા પ્રતિબંધોને પગલે રશિયા ડોલરમાં વેપાર કરી શકતું નથી.વધુમાં રશિયા સાથે વેપાર અંગે અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને ચેતવણી પણ આપી છે.જોકે,ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના હિતોને અનુરૂપ વિદેશ નીતિ નિશ્ચિત કરશે. તેની સ્વતંત્ર વિદેશ નીતિના ભાગરૂપે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી છે.તેમ છતાં ભારતની ક્રૂડની ખરીદી પશ્ચિમી દેશો કરતાં હજુ ઘણી ઓછી છે.રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલ પછી હવે ભારતે ખાતરની ખરીદી માટે સોદો કર્યો છે.આ સોદાની વાટાઘાટો ફેબુ્રઆરીમાં શરૂ થઈ હતી. ખાતરની કિંમતો ઘટાડવા માટે ભારતે રશિયન સરકાર સાથે લાંબા સમયનો સોદો કર્યો છે,જે હવે મહિનાઓ પછી અંતિમ તબક્કામાં છે.ભારત-રશિયાના આ સોદા અંગે ઓસ્ટ્રેલિયન વિદેશ નીતિની થિંક ટેંક એઆઈઈએસની નિર્દેશક વેલિના ત્ચાકારોવાએ ટ્વીટ કરીને કહ્યું કે,ભારત રશિયા પાસેથી ૧૦ લાખ ટન ડાય-એમોનિયમ ફોસ્ફેટ(ડીએપી)અને પોટાશની આયાત કરે છે.વધુમાં ભારત રશિયા પાસેથી વાર્ષિક ૮ લાખ ટન નાઈટ્રોજન,ફોસ્ફરસ અને પોટેશિયમની ખરીદી કરે છે.પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ભારત-રશિયાએ વેપાર માટે વસ્તુ-વિનિમય વ્યવસ્થા અપનાવી છે.તેના હેઠળ ભારત રશિયા પાસેથી ખાતર ખરીદશે અને તેના બદલામાં તે રશિયાને તેટલા જ મૂલ્યની છા,ઉદ્યોગો માટે કાચો માલ,ઓટો પાર્ટ્સ આપશે.આ સિવાય રશિયા ભારતમાંથી કૃષિ ઉત્પાદનો,મેડિકલ ઉત્પાદનો અને અન્ય વસ્તુઓની આયાત કરશે.દરમિયાન યુરોપીયન સંઘે રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકીને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને મોટો ઝટકો આપ્યો છે ત્યારે વિદેશ મંત્રી એસ.જયશંકર યુક્રેન યુદ્ધના જમીની સ્તરના આકલન માટે પૂર્વીય અને મધ્ય યુરોપના પ્રવાસે રવાના થયા છે.તેઓ ચેક ગણરાજ્યમાં સ્લોવેકિયા અને પ્રાગમાં બ્રાતિસ્લાવાનો પ્રવાસ કરશે.

