– રશિયા પછી ચીનની પણ દાઢ સળકી
– તાઇવાન યુક્રેનની જેમ અલગ દેશ નહીં અમારો હિસ્સો છે : ચીન
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે તાઇવાન પર પણ ચીનના નવ યુદ્ધવિમાન દેખાયા છે.આમ સ્પષ્ટપણે ચીન વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકીય સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે.
ચીન અને તાઇવાન વચ્ચે ચાલતો સંઘર્ષ કોઈ નવી વાત નથી,ચીન દ્વારા કેટલીય વખત તાઇવાનની હવાઈ સીમાનો ભંગ કરવામાં આવ્યો છે.છેલ્લા એક મહિનામાં ચીનના લડાકુ વિમાન તાઇવાન પર બાર વખત ઉડયા છે.
હવે ફરીથી ચીનના નવ લડાકુ વિમાન તાઇવાન પર જોવા મળ્યા છે.તાઇવાને પણ વળતી કાર્યવાહી કરતા તેના વિમાન મોકલ્યા હતા અને તેને ચેતવણી પણ આપી હતી.ચીનના લડાકુ વિમાનોને તાઇવાનના અદિઝ વિસ્તારમાં જોવા મળ્યા છે. આ એવું ક્ષેત્ર હોય છે જે કોઈપણ દેશના હવાઈ ક્ષેત્રની આગળનું ક્ષેત્ર હોય છે.જ્યારે કોઈ બીજું વિમાન ત્યાં આવે છે તો તેણે એર ટ્રાફિક કંટ્રોલરોને તેની ઓળખ બતાવવી પડે છે.ચીન દર વખતે આ ક્ષેત્રમાં અતિક્રમણ કરતું રહે છે.અત્યાર સુધી ચીન દ્વારા ૪૦ લશ્કરી વિમાન મોકલાઈ ચૂક્યા છે.તેમા ૧૨ લડાકુ વિમાન છે અને ૧૭ સ્પોટર વિમાન છે.
ચીનના આ અતિક્રમણનું મહત્વ એટલા માટે છે કેમકે ચીને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તાઇવાન કંઇ યુક્રેન નથી અને તાઇવાન હંમેશા ચીનનો મુખ્ય હિસ્સો રહ્યું છે.ચીનની આ ધમકી પછી તાઇવાન તેની સુરક્ષા વધારે મજબૂત બનાવી છે.


