શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે હોટલમાં બંધ બારણે મુલાકાત કરતા જ શરદ પવાર હરકતમાં આવી ગયા છે.શિવસેના-ભાજપની મુલાકાતથી હાંફળા ફાંફળા થઈ ગયેલા એનસીપી અધ્યક્ષ મારતા મોઢે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા દોડી આવ્યા હતાં.
એનસીપી ચીફ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ બેઠક લગભગ એકાદ કલાક જેટલી લાંબી ચાલી હતી.મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં બંને વચ્ચે મુલાકાત યોજાઈ હતી. જાહેર છે કે,મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી સાથે મળીને અઘાડી સરકાર ચલાવી રહી છે.
મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં અચાનક જ ગરમાવો આવી ગયો છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત થઈ હતી.બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એક હોટલમાં થઈ હતી.જોકે આ મુલાકાત કોઈ રાજકીય ના હોઈ માત્ર સામનામાં દેવેન્દ્ર ફડણવીસનો ઈન્ટરવ્યુ લેવા બાબતે કરવામાં આવી હોવાનું કારણ આગળ ધર્યું હતું.
ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે અચાનક હોટલમાં થયેલી ગુપ્ત બેઠકે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.હજી તો આ બેઠકને 24 કલાક પણ નથી થયાને એનસીપી અધ્યક્ષ શરદ પવારના કાન સરવા થઈ ગયા છે.તેઓ આજે અચાનક જ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતાં.બંને વચ્ચે એક કલાક ચર્ચા વિચારણા થઈ હતી.જોકે આ દરમિયાન શું વાતચીત થઈ,કયા મુદ્દે થઈ તેને લઈને કોઈ જ જાણકારી સામે આવી નથી.
જાહેર છે કે, 2019માં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી.પરંતુ ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ સર્જાયા હ હતાં.ત્યાર બાદ બંને પાર્ટીઓએ ગઠબંધન તોડ્યું હતું.શિવસેનાએ ધુર વિરોધી એવી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચી હતી.જોકે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં ખટપટ ચાલુ રહી છે. જ્યારે બીજી બાજુ શિવસેના ભાજપ સાથે પણ આકરા પ્રહારો કરતી રહે છે.