અમદાવાદ : ખાડિયાના કુખ્યાત મોન્ટુ નામદાર અને તેના સાગરીતોએ જાહેરમાં જ પોતાનો ડર કાયમ રાખવા માટે રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરી હતી.બોબીની હત્યાથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. સ્થાનિક અધિકારીઓ મોન્ટુને પાઠ ભણાવવાનો નિર્ધાર કરી લીધો હતો.ત્યારે જ નાટ્યાત્મક રીતે તે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો અને સમગ્ર પ્રકરણની તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચે પોતાની પાસે રાખી. હવે બોબી હત્યા કેસના બે આરોપી વિશ્વ રામી અને જયરાજ દેસાઇ પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે.જો કે તે બન્ને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જઇ રહ્યું છે.એક તરફ સામે રથયાત્રા આવી રહી છે ત્યારે પોલીસનું પેટ્રોલિંગ વધતાં શહેરમાં ગુનાખોરી ઘટવી જોઇએ તેના બદલે સતત ગુનેગારી વધી રહી છે.ત્યારે જ ખાડિયાના કુખ્યાત મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ ગાંધીએ જાહેરમાં જ સ્થાનિક વિસ્તારના બોબીને લાકડાના ફટકા મારીને મોતાને ઘાટ ઉતાર્યો હતો.બોબીની જાહેરમાં હત્યા કરીને મોન્ટુ સ્થાનિક વિસ્તારમાં પોતાની ધાક જમાવવા ઇચ્છતો હતો.આ ઘટના બાદ શહેર પોલીસે મોન્ટુને દબોચી લેવા કવાયત શરૂ કરી હતી.ત્યારે જ તે નાટ્યાત્મક રીતે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો.હવે સ્થાનિક પોલીસ આ પ્રકરણની તપાસ શરૂ કરે તે પહેલાં જ નાટ્યાત્મક કરી તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ ગઇ.
ક્રાઇમ બ્રાન્ચે આ હત્યા કેસમાં મોન્ટુના સાગરીતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મોન્ટુના હત્યારા સાગરિતો વિશ્વ ઉર્ફે વિસુ જીગ્નેશભાઇ રામી(રહે. નાગરવાડા,લાખા પટેલની પોળ,માણેકચોક)તથા જયરાજ વાસુદેવ દેસાઇ(રબારીવાસ,દોલતખાના,સારંગપુર)ને ઝડપી લીધા હતા.પોલીસે બન્ને હત્યારાઓને ઝડપીને વધુ તપાસ આદરી છે.હજુ આ પ્રકરણમાં બાકીના આરોપીઓને ઝડપી લેવાની કવયાત ચાલુ છે.સાથે સાથે પોલીસ કમિશનર દ્વારા શહેરના માથાભારે અને કુખ્યાત રીઢા આરોપીઓ સામે કડક પગલાં લેવાની પણ કવાયત શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આવા તત્ત્વોને ડામી દે છે કે કેમ?


