ન્યૂયોર્ક, તા.૫ : દુનિયાના સૌથી મોટા ધનકુબેર ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારથી ટ્વિટરની સર્વિસ અગાઉની જેમ મફત મળશે કે કેમ તે અંગે શંકા સેવાતી હતી.આ આશંકાઓનો ઈલોન મસ્કે પોતે જવાબ આપ્યો છે.તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝરે ટ્વિટરના ઉપયોગ માટે નાણાં ચૂકવવા પડે તેવી શક્યતા છે.જોકે, મસ્કે સામાન્ય યુઝર અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.ઈલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, ટ્વિટર સાધારણ યુઝર માટે હંમેશા મફત રહેશે, પરંતુ કોમર્શિયલ/સરકારી યુઝર્સે કદાચ થોડો ખર્ચ કરવો પડી શકે છે.ઈલોન મસ્ક આગામી સમયમાં ટ્વિટરને ફેસબૂકની જેમ નાણાં કમાવવાનું સાધન બનાવવા માગે છે.એક અહેવાલ મુજબ બેન્કો સમક્ષ મસ્કે મોનેટાઈઝેશન મારફત પણ ભંડોળ એકત્ર કરવાની તૈયારી દર્શાવી હતી.આ સિવાય મસ્કે વેરિફાઈડ ટ્વીટને ઈમ્બેડ અથવા ક્વોટ કરવા પર થર્ડ પાર્ટી વેબસાઈટ પાસેથી પણ નાણાં વસૂલવાની વાત કરી હતી.વધુમાં ટ્વિટર ખાનગી માલિકીનું બન્યા પછી તેના બિઝનેસ મોડેલ અંગે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.
ટ્વિટરના સંપૂર્ણ અધિગ્રહણમાં હજુ સમય લાગશે.તેમ છતાં અનેક લોકો અત્યારથી જ ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્ક પાસે નોકરી માંગી રહ્યા છે.દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનું સોશિયલ મીડિયા પેજ નોકરીઓની વિનંતીઓથી ભરાઈ ગયું છે.જોકે, મોટાભાગના લોકોએ મજાકમાં મસ્ક પાસે નોકરી માટે વિનંતી કરી હતી.
એક મહિલાએ લખ્યું, મને ઉપાધ્યક્ષ તરીકે નોકરી પર રાખી લો. હું ૧૧ વર્ષનો અનુભવ ધરાવું છું. હું સોશિયલ એપ બનાવવાની ક્ષમતા રાખું છું.અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, મારી ટ્વિટરનો ‘મુખ્ય પ્રેમ અધિકારી’ તરીકે નિમણૂક કરો.મને માસિક પગાર માત્ર ૬૯ ડોલર જ જોઈએ છે, પરંતુ આ રકમ ક્રિપ્ટોકરન્સીમાં હોવી જોઈએ.હું દુનિયામાં પ્રેમની માત્રા વધારવા માટે જે પણ થઈ શકે તે કરીશ.
આ બધા વચ્ચે માનવામાં આવે છે કે ઈલોન મસ્ક ટ્વિટરમાં છટણી કરી શકે છે.જોકે, હાલ એ સ્પષ્ટ નથી કે મસ્કની ટીમ કેવી રીતે બનશે અને વિશેષરૂપે તેમાં સીઈઓની ભૂમિકા શું હશે.જોકે, ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવાની સાથે જ વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલની નોકરી જોખમમાં મુકાઈ હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.એક અહેવાલ મુજબ ઈલોન મસ્કે ટ્વિટરના બોર્ડ સમક્ષ નોકરીઓમાં કાપનો વિકલ્પ રજૂ કર્યો હતો, પરંતુ બોર્ડે આ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.


