– યુધ્ધ વિરામ બાદ ફરી યુક્રેન અભ્યાસ માટે જવાનો જુસ્સો
– રાજકોટ કલેકટર કચેરીમાં કુમ કુમ તિલક કરી સ્વાગત કરાયું
– યુક્રેનમાં સૌરાષ્ટ્રનાં 45 છાત્રો હજુ ફસાયા,પોલેન્ડમાં ભારતીય યુવકોને એન્ટ્રી ન અપાઈ
યુધ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ત્રણેક દિવસની રઝળપાટ બાદ ભારતીય છાત્રોની વતન વાપસીનો દોર શરુ થયો છે તેમાં રાજકોટનાં સાત જેટલા છાત્રો આજે સાંજે રાજકોટ પરત આવી ગયા હતા પરંતુ રાજકોટ અને આસપાસનાં જિલ્લાનાં આશરે ૪પ છાત્રો હજુ પણ યુક્રેન અને આસપાસની બોર્ડર પર ફસાયા છે તેમને પરત લાવવા કેન્દ્રની મદદથી વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે.
ગઈકાલે રોમાનીયાથી મુંબઈ અને દિલ્હી આવી પહોંચેલા ગુજરાતી છાત્રો આજે સવારે અમદાવાદ આવ્યા બાદ પોતાનાં વતનનાં જિલ્લાઓમાં રવાના થયા હતા.આજે સાંજે સાતેક વાગ્યે રાજકોટનાં છ અને એક જૂનાગઢનાં વિધાર્થીઓ સલામત રીતે વતન પરત આવી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી.રાજકોટ કલેકટર કચેરી ખાતે મેયર અને કલેકટર દ્રારા યુક્રેનથી પરત ફરેલા છાત્રોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પરિવારજનોએ કુમ કુમ તિલક કરી તેમને આવકાર્યા હતા.ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દરમિયાન રાજકોટ કલેકટરે જણાંવ્યુ હતું કે રાજકોટ અને આસપાસનાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓનાં ૪પ જેટલા છાત્રો યુક્રેનમાં હજુ ફસાયા છે તેમાંથી ૧પ વિધાર્થીઓને અલગ અલગ દેશોની બોર્ડર પરથી એર લીફટ કરી લાવવામાં આવી રહયા છે.આજે રાજકોટમાં છ વિધાર્થીઓ આવ્યા છે જસદણનાં એક છાત્ર સીધા જસદણ પહોંચ્યા છે.યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને રાજય અને કેન્દ્રની મદદ લઈને વતન લાવવા પ્રયાસો કરાઈ રહયા છે.મોરબીની એક વિદ્યાર્થિની શૈલજાબેન કુન૫રા યુક્રેનમાં ફસાઈ હતી. તેનો આજે ૨૦ કલાક બાદ પરિવારજનો સાથે સંપર્ક થયો હતો. આ યુવતીને ઝડપથી ભારત લાવવા પ્રયાસો થઈ રહ્યા છે.
દરમિયાન પોલેન્ડની બોર્ડર પર એક નવી સમસ્યા ઉભી થઈ છે.સૌરાષ્ટ્ર – ગુજરાત સહિત જે ભારતીયો પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે તેમાંથી યુવતીઓને ગઈ રાત્રે પોલેન્ડમાં ભારતીય દુતાવાસની મદદથી પોલેન્ડની રાજધાનીમાં સલામત રીતે લવાયા છે તેમાં રાજકોટની ક્રાંજ ગોસાઈ નામની યુવતી પણ સામેલ છે.પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા છાત્રોએ એવી જાણકારી આપી હતી કે કોઈ ઈસ્યુનાં કારણે યુવકોને પોલેન્ડની હદમાં લેવામાં આવી રહયા નથી તેઓ ભારત સરકારને આ મામલે મદદ કરવા અપીલ કરી રહયા છે.
રાજકોટ પરત ફરેલા છાત્રો – પરિવારજનોમાં
યુધ્ધ વિરામ બાદ ફરી યુક્રેન અભ્યાસ માટે જવાનો જુસ્સો
લાખોનો ખર્ચ કરીને યુક્રેન જનારા છાત્રો યુધ્ધ છતાં હિંમત હાર્યા નથી,પડકારો વચ્ચે ડિગ્રી મેળવવા તૈયાર
રશિયાએ યુક્રેન પર હુમલાઓ કરી તબાહી મચાવતા ત્યાંથી મહામહેનતે ત્રણેક દિવસની રઝળપાટ બાદ આજે રાજકોટ આવી પહોંચેલા કેટલાક છાત્રોએ એવુ જણાંવ્યુ હતું કે યુક્રેનમાં યુધ્ધ વિરામ બાદ સ્થિતિ સારી થશે એટલે ફરી અમારે ત્યાં અભ્યાસ માટે જવુ છે.કેટલાક યુવાનાએ ે તો મુશ્કેલી સહન કરીને પણ યુક્રેન હજુ છોડયુ નથી.
રાજકોટ વતનમાં આવેલી એક યુવતીનાંં પરિવારજનોએ જણાંવ્યુ હતુ મારી દિકરી યુક્રેનમાં એમબીબીએસ નાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અમારે કોઈ પણ ભોગે તેને છ વર્ષનો કોર્ષ પુરો કરાવવો છે.યુધ્ધ વિરામ થાય ત્યાર બાદ જો ઓન લાઈન શિક્ષણ શરુ થશે તો તેમાં જોડાશે અને ત્યાં સ્થિતિ સારી થાય અને જયારે ફલાઈટ શરુ થશે અને ત્યારે ફરી દિકરીને યુક્રેન મોકલવા માટે અમે તૈયાર છીએ.અનેક પરિવારજનોએ આવી લાગણી વ્યકત કરી હતી.લાખોનો ખર્ચ કરીને અભ્યાસ માટે જનારા યુધ્ધની ભયાનક સ્થિતિ બાદ પણ યુક્રેનને ભુલ્યા નથી.