ગુજરાતમાં કોરોના વાયરસે દસ્તક દઈ દીધી છે. ગુજરાતમાં કોરોના વાયરસનાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. પાંચમાંથી એક પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયો છે. રાજકોટમાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ બીજા બે કેસ શંકાસ્પદ નોંધાયા છે. તો બીજી બાજુ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે પોઝિટિવ કેસને ધ્યાને લેતાં કલમ 144 તો લાગુ કરી છે સાથે સાથે શહેરનાં તમામ ચાનાં સ્ટોલ અને પાન-ગલ્લાની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
રાજકોટમાં વિદેશથી આવેલાં બે યુવાનો શંકાસ્પદ
રાજકોટમાં જે યુવાનમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તે યુવાન અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. યુવકનાં પરિવારમાંથી જ ચાર લોકો શંકાસ્પદ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અને તેઓનાં રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રાજકોટના જર્મની અને દુબઈથી આવેલાં બે યુવાનોમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અને બંને યુવકોએ ગળામાં બળતરા સહિતની ફરિયાદ કરતાં તાત્કાલિક તેઓને રાજકોટ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
ચા-ગલ્લા બંધ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરનો આદેશ
પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 માર્ચ સુધી આધાર કાર્ડ સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ ચાના સ્ટોલ અને ગલ્લા પણ બંધ રાખવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. તો હવે જાહેરમાં થૂંકનાર સામે પાંચસોનાં બદલ એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે.
કચ્છમાં પણ વિદેશથી આવેલાં 3 વ્યક્તિઓ કોરોના શંકાસ્પદ
તો બીજી બાજુ કચ્છમાં પણ કોરોના વાયરસનાં 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સાઉદી અરબથી પરત આવેલાં એક આધેડ દંપતીમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તો ગાંધીધામના એક યુવાનમાં પણ કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓને કોરોના હોવાની શંકાને આધારે તાત્કાલિક ભુજ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.