– હવે પોસ્ટરો બાદ લખાણ સાથે વિરોધ કરવામાં આવ્યો
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીનાં સુપ્રીમો અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિરોધ હજુ યથાવત જોવા મળી રહ્યો છે.જેમાં હવે પોસ્ટરો બાદ લખાણ સાથે વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.શહેરનાં ટ્રાફિકથી ભરચકક રહેતા શાસ્ત્રી મેદાનની દીવાલ પર ‘હિન્દૂ વિરોધી કેજરીવાલ ગો બેક’ નું લખાણ લખવામાં આવતા ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.જોકે ‘આપ’ દ્વારા સમગ્ર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, બે દિવસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં સુપ્રીમો કેજરીવાલ હિંદુ વિરોધી હોવાના બેનરો લગાવવામાં આવ્યા હતા.બાદમાં રાજકોટમાં ‘આપ’ કાર્યકરોએ ઠેર-ઠેર પહોંચી બેનરો હટાવ્યા હતા.તેમજ ભાજપ કોમી વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો.એટલું જ નહીં આ મામલે ભાજપ અને આપ નેતાઓ દ્વારા સામસામી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી.ત્યારે ફરી એકવાર શહેરનાં શાસ્ત્રી મેદાન નજીક આવેલી દીવાલોમાં હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક’નાં લખાણ લખવામાં આવ્યા છે.જેને લઈને આમ આદમી પાર્ટીનાં કાર્યકરોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.અને ભાજપ દ્વારા ચૂંટણીમાં હાર થવાના ડરે આ પ્રકારના લખાણ લખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ આમ આદમી પાર્ટીનાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે, ભાજપે હનુમાનજી ભક્ત અરવિંદ કેજરીવાલનાં ટોપી પહેરેલા પોસ્ટરો લગાવી ભાજપે પોતાની માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.મને અને કેજરીવાલજીને હિંદુ હોવાનો ગર્વ છે.અને અમારી પાર્ટી રાષ્ટ્ર તેમજ હિન્દુત્વ માટે શું જરૂરી કરવા તત્પર રહે છે.રાષ્ટ્રનાં વિકાસ માટે અમારી પાર્ટી એજ્યુકેશન અને સારી આરોગ્ય સેવાઓને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહી છે.પરંતુ ભાજપ પાસે કોઈ મુદ્દો નહીં હોવાથી આવો હીન પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે.