– રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ગુંડાગીરી
– પિતરાઈ ભાઈ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો
– પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડના પુત્રોની દાદાગીરીની ઘટના સામે આવી છે.જેમાં તેઓએ પિતરાઇ ભાઇને કારની ઠોકરે લઇ પછાડી દીધા બાદ પિતરાઈ ભાઈ સહિત તેના મિત્ર પર ધોકા પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનાને પગલે ઘવાયેલા બે યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પારિવારિક તકરારમાં આ હુમલો થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પરની સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતો તેમજ બાંધકામનો વ્યવસાય કરતો 34 વર્ષીય જીજ્ઞેશ દિનેશભાઇ રાઠોડ સોમવારે સાંજે પોતાનું સ્કૂટર ચલાવીને પેડક રોડ પરથી પસાર થતો હતો.દરમિયાન પાછળથી એક કાર ધસી આવી હતી.અને કારે સ્કૂટરને ઠોકર મારતા જીજ્ઞેશ રાઠોડ અને તેનો મિત્ર નીચે પટકાયા હતા.ત્યારબાદ નગરસેવકનાં પુત્રો પારસ રાઠોડ અને તેનો ભાઇ કરણ રાઠોડ કારમાંથી ધોકા-પાઇપ સાથે નીચે ઉતર્યા હતા અને પિતરાઇ ભાઇ જીજ્ઞેશ સહિત તેના મિત્રને ઢોર માર મારતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.જેને લઈને આરોપીઓ નાસી છૂટ્યા હતા.
સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા 108 સ્થળ પર દોડી ગઈ હતી.તેમજ હુમલામાં ઘવાયેલા જીજ્ઞેશ અને તેના મિત્રને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડના ભાઇ પિન્ટુ રાઠોડે જણાવ્યું હતું કે, અનિલ રાઠોડ અને તેના પુત્રો દ્વારા અવારનવાર ધાક ધમકી આપવામાં આવે છે.અગાઉ પણ તેમણે પારિવારિક તકરારનો ખાર રાખી જીજ્ઞેશ પર હિચકારો હુમલો કર્યો હતો.ફરીવાર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.ત્યારે આ મામલે આગામી દિવસોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે.હાલમાં તો બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


