– ‘મોંઘો ગેસ મોંઘું તેલ,બધો ભાજપનો ખેલ’ સૂત્રો સાથે લાંબા અરસા બાદ કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ,પ્રદેશ નેતાઓની હાજરી,યુવા નેતાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટયાં
રાજકોટ : રાજકોટમાં વર્ષો પછી કોંગ્રેસના તમામ જૂથોના નેતાઓ આજે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં એકત્ર થઈને લોકોને પીડા આપતા મોંઘવારીના પ્રશ્ને રોષપૂર્ણ રેલી યોજી હતી.યુવાનો,મહિલાઓની નોંધપાત્ર સંખ્યા સાથે રેલીમાં મોંઘો ગેસ,મોંઘુ તેલ, બધો ભાજપનો ખેલ,પ્રજા ત્રસ્ત,ભાજપ મસ્ત સહિત સૂત્રોચ્ચારો સાથે મોંઘવારી,બેકારી,ડ્રગ્ઝ,ભરતી કાંડ,ઈ-મેમોથી દંડનો કોરડો વગેરેના વિરોધમાં પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
રેલીમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો,શહેર કોંગ્રેસના તમામ સેલના હોદ્દેદારો,સૌરાષ્ટ્રના પ્રભારી રામકૃષ્ણ ઓઝા,કોંગ્રેસ અગ્રણી અર્જૂન મોઢવાડિયા વગેરે જોડાયા હતા.રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમય બાદ વિરોધ પ્રદર્શનનો આવો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું 27 વર્ષના ભાજપના શાસનથી જનતાને તેલ,દૂધ,પેટ્રોલ,ડીઝલ,ગેસ સહિત દરેક ચીજમાં અસહ્ય મોંઘવારી અને ઉંચો કરબોજ,મોંઘુ શિક્ષણ, ભરતી કૌભાંડો અને બેરોજગારી જ આપ્યા છે,તમામ મોરચે ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે,તેથી અહંકારમાં રાચતી આ સરકાર સામે કોંગ્રેસે એલાન એ જંગ કર્યું છે અને આગામી શનિવારે મોંઘવારી વગેરેના વિરોધમાં ગુજરાત બંધનું એલાન અપાયું છે.
રેલીમાં યુવક કોંગ્રેસના સેંકડો યુવાનો હાથમાં ઝંડા લઈને જોડાયા હતા અને સરકાર અને મોંઘવારી વિરૂધ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા,સૂત્રો પ્રદર્શિત કર્યા હતા.જિલ્લા કલેક્ટરને આવેદનમાં જણાવાયું ગુજરાતમાં ભાજપની મનમાની પાસે જનતા લાચાર બની ગઈ છે ત્યારે પ્રજાનો અવાજ બનવા તમામ તાકાત સાથે આંદોલન શરૂ કર્યું છે.