– મહાનગરની ટીમ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
– દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા
– ત્રિકોણબાગ ખાતે ભાવિકોએ તલવાર વડે કરેલા સ્ટંટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
રાજકોટ,તા. 30 માર્ચ 2023, ગુરુવાર : રાજકોટ આજરોજ દેશભરમાં રામનવમીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આ અંતર્ગત રાજકોટ શહેરમાં પણ વિવિધ હિન્દુ સંગઠનોએ જુદા-જુદા કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે.જેમાં વિશ્વ હિન્દુ પિરષદ રાજકોટ મહાનગરની ટીમ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.જેના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.આ શોભાયાત્રા દરમિયાન ત્રિકોણબાગ ખાતે ભાવિકોએ તલવાર વડે કરેલા સ્ટંટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રામનવમી નિમિતે યોજાનાર ભગવાન શ્રીરામની આ ખાસ શોભાયાત્રાનું સવારે 8-30 કલાકે નાણાવટી ચોક, 150 ફુટ રીંગ રોડ ખાતેથી ધર્મસભા બાદ પ્રસ્થાન થયું હતું અને સતયુગ રામજી ભગવાન મંદિર ન્યાલ ભગત અન્નક્ષેત્ર ૐ હિં રામ જય રામ જય જય રામ ખાતે પૂર્ણ થનાર છે.આ શોભાયાત્રામાં રાજકોટના અગ્રગણ્ય સાધુ-સંતો ઉપરાંત રાજકીય અને સામાજીક આગેવાનો હાજરી રહ્યા હતા.અને રામલલ્લાની આ શોભાયાત્રામાં ‘જય શ્રીરામ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક સંગઠનો જુદા-જુદા ફ્લોટ્સ સાથે જોડાયા હતા.તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને રાજકીય આગેવાનોએ પણ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.શહેરના વિવિધ માર્ગો પર સ્થાનિક લોકો દ્વારા આ શોભાયાત્રાનું પુષ્પો વડે સ્વાગત કરવામાં આવતા વાતાવરણ રામમય બની ગયું હતું.તો શહેરનાં મુખ્ય વિસ્તાર ગણાતા ત્રિકોણબાગ ચોકમાં શોભાયાત્રા પહોંચતા ભાવિકો દ્વારા રીતરિવાજ મુજબ તલવારો વડે સ્ટંટ કરવામાં આવ્યા હતા.આ સ્ટંટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન તહેવારોની ઉજવણી બંધ હતી.જોકે હાલ કોરોનાનું સંક્રમણ હળવું થતા તમામ તહેવારો ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત આજે દિવસભર રામનવમીના તહેવારની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રામમંદિરો ખાતે બપોરે 12 વાગ્યે રામલલ્લાનાં જન્મની ઉત્સાહભેર ઉજવણી કરી પંજરી સહિતનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને સમગ્ર શહેર રામમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.