ગુજરાત વિધાનસભામાં દારુના અડ્ડા અને બુટલેગર પર થયેલી ફરિયાદના આંકડાઓનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવતા ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા હતા. દારૂના અડ્ડાઓ અને બુટલેગરોની ફરિયાદના આંકડાઓ જાહેર થતા રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ચાલતી જુગાર અને દારુની બદીને નાબુદ કરવા માટે ડ્રાઈવ યોજવાના આદેશ કર્યા હતા.
તેથી રાજ્યની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચાલતા દારુના અડ્ડાઓ પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડાના આદેશના કારણે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી હતી. રાજકોટના ભક્તિનગર અને કુબલિયાપરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરીને પોલીસે દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીનો નાશ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસે અલગ-અલગ સાત જેટલી ટીમ બનાવીને શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચાલતા દારુના અડ્ડા પર રેડ કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે ભક્તિનગર અને કુબલિયાપરા વિસ્તારમાં ચાલતા દેશી દારુના અડ્ડા પર રેડ કરતા જાણે વિસ્તારમાં દારુ નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
જેમ ચોમાસામાં સોસાયટીના રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા તે રીતે પોલીસની રેડ દરમિયાન દારુની નદીઓ વહી હતી.
પોલીસે આ બંને વિસ્તારમાં ચાલતા દારુના અડ્ડાઓ પર રેડ કરીને ત્યાં બનાવવામાં આવતા દેશી દારુના મુદ્દામાલને રસ્તા પર ઢોળીને તેનો નાશ કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દારુના અડ્ડાઓ પર રેડ કરીને સંતોષ માની લે છે કે પછી બુટલેગરોની પણ ધરપકડ કરે છે.
મહત્ત્વની વાત એ છે કે, રેડ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો તમામ અહેવાલ ગાંધીનગરમાં મોકલવાના પણ રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે.