– સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં પોલીસે કરી કાર્યવાહી : વિજય બોરીચાને માલવીયાનગર પોલીસ મથકે બેસાડી દેવાતાં કોંગી આગેવાનો પહોંચ્યા, રાગદ્વેષનો આક્ષેપ : મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીના ઉદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વોર્ડ નં. ૧૨ના ૩૫૦૦ રાશન કાર્ડ ધારકોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનું હતું: સવારના સાતથી કતારો જામી હતી : આઠ-દસ લોકોને માંડ વિતરણ થયું ત્યાં પોલીસ પહોંચી : નિવેદન નોંધી મુકત કરવા તજવીજ
રાજકોટ તા. ૧૧: કોરોનાની મહામારીમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે.આમ છતાં લોકો નિયમોનો ભંગ કરે તો પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરે છે.આજે સવારે મવડી પ્લોટ વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ઉદેશ્વર મહાદેવ મંદિર ખાતે વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર વિજય બોરીચાએ વિનામુલ્યે ડુંગળી વિતરણ માટે માટી સંખ્યામાં માણસો ભેગા કરતાં આ સેવા કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોઇ પોલીસને ફરિયાદ મળતાં પોલીસે ત્યાં પહોંચી મોટી સંખ્યામાં ડુંગળી લેવા ઉમટી પડેલા લોકોને વિખેરી નાંખ્યા હતાં અને કોંગીં કોર્પોરેટર વિજય બોરીચાને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવતાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ત્યાં પહોંચ્યા હતાં અને રાગદ્વેષભરી કાર્યવાહી નહિ કરવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી.
જાણવા મળ્યા મુજબ વોર્ડ નં.૧૨ના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકએ આજે આ વોર્ડના ગરીબ મધ્યમવર્ગીય એવા ૩૫૦૦ લોકોને રાશનકાર્ડ દિઠ ૭-૭ કિલો ડુંગળી વિનામુલ્યે આપવાનું આયોજન કર્યુ હતું.જેમાં રાશનકાર્ડમાં લાલ શાહીથી નિશાની કરી (એક જ વ્યકિત બીજીવાર ન આવે એ માટે) ડુંગળી આપવાનું નક્કી થયું હતું.આ અગાઉથી ડુંગળી વિતરણની જાહેરાત થઇ હોઇ સવારના સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ઉદેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતાં.જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોવાની અને જાહેરનામાનો ભંગ થઇ રહ્યાની ફરિયાદો મળતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા,એસીપી જયદિપસિંહ એચ.સરવૈયા,જે.એસ. ગેડમ,પીઆઇ એન.એન.ચુડાસમા,પીએસઆઇ ચંપાવત,ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ.એમ.ગઢવી,પીએસઆઇ સોનારા સહિતનો કાફલો દોડી ગયો હતો.પોલીસ કોર્પોરેટર વિજય વાંકને અટકાયતમાં લઇ માલવીયાનગર પોલીસ મથકે લઇ ગયાની જાણ થતાં શહેર કોંગ્રેસના આગેવાનો,કોર્પોરેટરો અશોકભાઇ ડાંગર,મહેશ રાજપુત,વશરામ સાગઠીયા,કોંગ્રેસ લિગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા,વિરોધ પક્ષના પુર્વ નેતા શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા,પ્રભાત ડાંગર,રાજદિપસિંહ જાડેજા,દિનેશ ચોવટીયા,મુકેશ ચાવડા,કનકસિંહ જાડેજા,ઘનશ્યામસિંહ જાડેજા,સંજય અજુડીયા, સુરજ ડેર સહિતના પોલીસ મથકે દોડી આવ્યા હતાં અને રાગદ્વેષ ભરી કાર્યવાહી ન કરવા રજૂઆતો કરી હતી.
કોર્પોરેટર વિજય વાંકે જણાવ્યું હતું કે કુલ ૨૪૫૦૦ કિલો ડુંગળીનું ૩૫૦૦ લોકો વચ્ચે વિનામુલ્યે વિતરણ કરવાનું હતું.પરંતુ માંડ આઠ-દસ લોકોને વિતરણ થયું ત્યાં પોલીસ આવી ગઇ હતી.પોલીસે નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.એ પછી કોર્પોરેટરને મુકત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.


