રાજકોટમાં ગઈકાલે IT વિભાગે બે જાણીતા રાધિકા અને શિલ્પા જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા.આ બંને જ્વેલર્સના શોરૂમ સહિત આશરે 18 જેટલા સ્થળે IT વિભાગની ટીમોએ વહેલી સવારથી દરોડા પાડ્યા હતા.જે બીજા દિવસે પણ યથાવત્ છે.જેને લઈને કરચોરી કરતા સોની વેપારી તેમજ બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જ્વેલર્સોના માલિકોએ જમીનના મોટા વ્યવહારો કર્યા હોવાનો ખુલાસો
મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે સાત વાગ્યાથી IT વિભાગની અલગ-અલગ ટીમો રાજકોટમાં ત્રાટકી હતી.જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન જ્વેલર્સોના માલિકોએ જમીનના મોટા વ્યવહારો કર્યા હોવાના ખુલાસો થયો છે.ખાસ કરીને બે હજારની નોટ પરત ખેંચાયા બાદ આ મોટા સોદા થયા હોવાનું IT વિભાગને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ છે.
ઇન્કમ ટેક્સ વિભાગે પ્રથમ દિવસે દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા
IT વિભાગે બંને જ્વેલર્સના પેલેસ રોડ પર સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ,અમીન માર્ગ પર આવેલા શોરૂમ પર તપાસ કરી હતી.આ ઉપરાંત શિલ્પા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટ અને પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે પ્રથમ દિવસે દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા છે અને આજે પણ કાર્યવાહી યથાવત્ રાખી છે.
મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા
આજે રાધિકા જ્વેલર્સના પેલેસ રોડ અને કાલાવડ રોડ પર આવેલ શોરૂમ,અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાન ઉપરાંત શિલ્પા જ્વેલર્સના કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ,અક્ષર માર્ગના શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ, ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
જુનાગઢના CVM જ્વેલર્સમાં પણ કાર્યવાહી
જ્વેલર્સ સાથે સંકળાયેલા ફાયનાન્સર અને બિલ્ડર વિમલ પાદરીયા,કેતન પટેલ અને મિલન મહેતાના ઘરે અને તેની ઓફિસોમાં પણ IT વિભાગે તપાસ હાથ ધરી છે.તો જે.પી.જ્વેલર્સના રાજકોટ અને અમદાવાદના શોરૂમમાં તપાસ શરૂ કરવામાં આવી છે.ત્યારે તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.