રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. 13માં ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ નજીક આવેલા આંબેડકરનગર વિસ્તારમાં પીવાના પાણીના નળમાંથી ભૂગર્ભ ગટરનું પાણી નીકળતા મહિલાઓ રણચંડી બની હતી અને કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરની આગેવાનીમાં વોર્ડ ઓફિસે માટલાફોડ કરી હતી.
વધુમાં આ અંગે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરએ જણાવ્યું હતું કે આંબેડકર નગર વિસ્તારમાં સતત છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીના બદલે નળમાંથી ગટરનું પાણી આવતું હોય આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પ્રશ્ન ઉકેલાયો ન હતો આથી વિસ્તારની મહિલાઓ આજે વોર્ડ ઓફિસે આવી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેમનો સંપર્ક કર્યો હતો.રોષે ભરાયેલી મહિલાઓએ ઓફિસમાં માટલાફોડનો કાર્યક્રમ આપ્યો હતો. આ વિસ્તારમાં અપાતું પાણી અત્યંત દુર્ગંધ યુક્ત અને ડહોળુ હોય પીવાલાયક હોતું નથી.જો વહેલી તકે આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની ભીતિ છે.આ વિસ્તારમાં કોઇ સ્થળે પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઈન ભળી ગયાની આશંકા છે,ઇજનેરો વહેલી તકે ઓનલાઈન ચેકિંગ કરે તો આ પ્રશ્ન ઉકેલાય તેમ છે.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 13માં પ્રદુષિત પાણીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.મહાનગરપાલિકની વોર્ડ નંબર 13ની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓએ વિરોધ કર્યો છે. આંબેડકરનગર વિસ્તારમાં પ્રદુષિત પાણીને લઈને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે.આંબેડકરનગરની શેરી નંબર 13 અને 14માં છેલ્લાં ઘણાં સમયથી પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી.જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ આજદિવસ સુધી પ્રદુષિત પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી.રોષે ભરાયેલી મહિલાઓએ વોર્ડ નંબર 13ની ઓફિસે પહોંચી ઉગ્ર વિરોધ દાખવ્યો હતો.


