– દર્શીતાબેન શાહ અને તેમના પતિની કાર્યકર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો
રાજકોટ, 21 માર્ચ 2023 મંગળવાર : રાજકોટ-પશ્ચિમ બેઠક પર ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને તેમના પતિની કાર્યકર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.જેમાં ખુદ ધારાસભ્ય દર્શીતાબેનનાં ફોટા કટ કરવા મુદ્દે વિવાદ થઈ રહ્યો છે.અને કાર્યકરે ધારાસભ્યના પતિને કહ્યું કે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો.. જોકે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના ધ્યાને વાત આવતા કાર્યકર સામે પગલા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આ મામલે ધારાસભ્ય દર્શીતાબેને પોતે આ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રીના મતવિસ્તાર પશ્ચિમ રાજકોટ બેઠક પર સૌરાષ્ટ્રમાં સર્વાધિક 1 લાખથી વધુ સરસાઈથી જીતેલા ભાજપના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના ફોટા ભાજપના આ મતક્ષેત્રના કાર્યકર અતુલ નથવાણી દ્વારા કટ કરવાના મુદ્દે ફોન પર ઉગ્ર માથાકૂટ થયાનો ઓડિયો બહાર આવ્યો છે.જ્યાંથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રથમ ચૂંટણી જીત્યા હતા અને વિજય રૂપાણી બે વખત ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા.તે બેઠક પર ધારાસભાની ડિસેમ્બર-2022માં યોજાયેલ ચૂંટણીમાં રૂપાણી ઉપરાંત વજુભાઈ વાળાની નજીકના વગદાર નેતાઓ દાવેદારો હતા.પરંતુ, પક્ષે તત્કાલીન ડે.મેયર દર્શિતાબેનની પસંદગી કરી હતી.અને તેઓ વિજયભાઈ કરતા બમણી લીડથી જીત્યા હતા.
વાયરલ ઓડિયો કલીપમાં ધારાસભ્યના પતિ કાર્યકર અતુલભાઈને તમે ફોટા કેમ કાઢી નાંખો છો તેમ કહેતા મને દાટી નહીં આપતા,તમારે ફરિયાદ કરવી હોય ત્યાં કરજો તે મતલબની વાત કરતા ડો.પારસ શાહે શહેર ભાજપ પ્રમુખને આ વાત કરવાના છો તેમ કહ્યું હતું.આ જ ફોનમાં ડો.દર્શિતા શાહે કાર્યકર સાથે વાત કરતા કાર્યકરે તમારા ફોટા મુકુ તો મને વોર્ડ નં. 2માં બ્લોક કરી દે છે.તેવું કહ્યું હતું.જોકે આ અંગે દર્શિતા શાહનો સંપર્ક સાધતા તેમણે આ અંગે પોતાને કશી ખબર નહીં હોવાનું જણાવ્યું હતું.તો શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે અતુલભાઈ નામના કોઈ નેતા નથી પરંતુ,માત્ર કાર્યકર છે,કોઈ ઈસ્યુ નથી,આવી વાત ફેલાતા અમે કાર્યકર સામે જરૂરી પગલા લીધા છે.ધારાસભ્ય અમારા માટે સન્માનનીય છે અને તેમના ફોટા કટ કરવાનો સવાલ જ નથી.