રાજકોટ, તા. 18 જાન્યુઆરી 2023, બુધવાર : રાજકોટ પોલીસ કમિશનર કચેરીની સામેના ભાગમાં એક કાળી ફિલ્મ લગાવેલી નંબર પ્લેટ વગરની કાર પાર્ક થયેલી હતી.જેના પર રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ધ્યાન જતા તેમણે તાત્કાલિક અસરથી કાર અંગે તપાસ કરવા બાબતે કંટ્રોલ રૂમમાં સૂચના આપી હતી.કંટ્રોલરૂમ દ્વારા તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરવામાં આવતા પોલીસ લખેલા બોર્ડ વાળી કારમાં દારૂની પેટીઓ પડી હોવાનું જણાઈ આવ્યું હતું.
જે અંતર્ગત તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક શાખાની ટોઈંગ વ્હિકલ દ્વારા કારને પ્રદ્યુમન નગર પોલીસમાં ખાતે લઈ જવામાં આવી હતી.જ્યાં કારમાંથી દારૂની પેટીઓ ઉતારવામાં આવી હતી.મળતી માહિતી મુજબ પોલીસને કારમાંથી 68 દારૂની બોટલ મળી આવી છે.ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથક દ્વારા પ્રોહીબિશનનો કેસ નોંધવામાં આવ્યો છે.જે અંતર્ગત કાર તેમજ કારમાંથી મળી આવેલ દારૂની બોટલો કબજે કરવામાં આવી છે.
આખરે કોણ પાર્ક કરી ગયું કાર?
ત્યારે આખરે સવાલ તો એ થાય છે કે પોલીસ કમિશનર કચેરીની સામે કોણ આ પ્રકારે દારૂની બોટલ ભરેલી કાર છોડીને જતું રહ્યું હતું.કાળા ફિલ્મ વાળી કાર તેમજ નંબર વગરની કારના ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે.ત્યારે સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીની ભૂમિકા છે કે કેમ તે અંગે પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે.જે જગ્યાએ કાર પડી હતી તેની બંને બાજુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.તો બીજી તરફ ફુલછાબ ચોકમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.તેમજ જે જગ્યાએથી આકાર મળી આવી છે ત્યાંથી પોલીસ કમિશનરની કચેરી અને એસપી કચેરી બંને બાજુ બાજુમાં જ થાય છે.ત્યારે આખરે પોલીસ કમિશનર અને એસપી કચેરી પાસે આ પ્રમાણે દારૂ ભરેલી કાર લઈ આવવાની હિંમત કોની થઈ? તે પણ એક મસ મોટો સવાલ છે.
હાલ તો પોલીસ કમિશનરની રાજુ ભાર્ગવની સતર્કતાના કારણે કાર તેમજ કારમાંથી મળી આવેલ દારૂની બોટલ પ્રદ્યુમન નગર પોલીસે કબજે કરી છે.


