– રાજકોટમાં ભાજપનાં નેતાની ઓડિયોક્લિપ વાયરલ
– ‘જય ભોળાનાથ’ કોડવર્ડ સાથે ભાજપનાં ઉમેદવારને હરાવવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયુ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે.જેમાં ઓછું મતદાન થતા શાસક પક્ષની ચિંતા વધી છે.બીજી તરફ ભાજપનાં નેતાઓએ જ ભાજપનાં ઉમેદવારોને હરાવવા પ્રયાસ કર્યા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલયમાં આયોજીત બેઠકમાં એક ઉમેદવારે કેસરિયો ખેસ પહેરીને પોતાને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યાની ચર્ચાઓ વહેતી થઈ હતી.ત્યારે હવે જસદણ પંથકની એક ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.ઓડિયો ક્લિપમાં ‘જય ભોળાનાથ’ કોડવર્ડ સાથે ભાજપનાં ઉમેદવારને હરાવવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું છે.
જાણવા મળતી વિગત મુજબ, વિધાનસભા ચૂંટણી પુર્ણ બાદ જસદણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જેમાં જસદણ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવાળીયાને હરાવવા માટેની વાતચીત ભાજપનાં જ નેતા દ્વારા ‘જય ભોળાનાથ’ કોડવર્ડ હેઠળ કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે.આ બેઠકમાં ભોળાભાઈ ગોહેલ કોંગ્રેસનાં ઉમેદવાર હોવાથી સમગ્ર ચર્ચા દરમિયાન ‘જય ભોળાનાથ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાની ચર્ચા હાલ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયા મૂળ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હતા.પરંતુ થોડા વર્ષો અગાઉ જ તેઓ ભાજપમાં સામેલ થયા હતા.અને બાદમાં ભાજપનાં હાઇકમાન્ડ દ્વારા રૂપાણી સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.આ વિધાનસભા ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓની ટીકીટ કાપવામાં આવી હોવા છતાં કુંવરજી બાવળીયાને ભાજપે જસદણ બેઠકની ટીકીટ આપી હતી.જેને લઈને તેમના વિરોધી ગણાતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરા સહિતનાં નેતાઓમાં નારાજગી હતી.ઓડિયો ક્લિપમાં ભરત બોધરાનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવતા હાલ ચૂંટણી પૂર્ણ થયા છતાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.