રાજકોટ : રાજકોટમાં બિલ્ડીંગ અને માર્બલના વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. અને ગંગદેવ ગ્રુપ સહિત અન્ય ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી તપાસ થઇ રહી છે જેમાં અત્યાર સુધી રૂપિયા 100 કરોડના બિનહિસાબી આર્થિક વ્યવહારો બહાર આવ્યાં છે જેમાં કોથળા ભરીને કરોડો રૂપિયાની કિંમતના દસ્તાવેજો સહિતની વસ્તુઓ આવકવેરા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવી છે.
રાજકોટમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડીંગ વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. ગ્રુપના સર્વાનંદ સોનવાણી,જગદીશ સોનવાણી,ભરત સોનવાણી,વિક્રમ લાલવાણી ઉપરાંત માર્બલના વ્યવસાય સાથે જોડાયેલા પ્રફુલ ગંગદેવ,સિધ્ધાર્થ ગંગદેવ ઉપરાંત કિંજલ ફળદુ,રમેશ પાંચાણી,આશિષ ટાંક,હરિસિંહ સુચરિયા,ચંદ્રેશ પનારા,ગૌરાંગ પટેલ સહિતનાં જુદા જુદા ધંધાર્થીઓના 45 સ્થળોએ દરોડા કરાયા હતા.
તપાસ દરમિયાન બિલ્ડર ગ્રુપને ત્યાંથી કરોડો રૂપિયાની કિંમતના દસ્તાવેજો મળી આવ્યા છે.ક્રિકેટના સટ્ટા અને એમસીએકસ નાં બે નંબરના ધંધાર્થીઓ જે પ્રકારના આર્થિક વ્યવહારો છૂપાવવા માટે અવનવા કોડ સાથેની ડાયરી રાખે છે તે પ્રકારની આર્થિક લેવડ- દેવડની ડાયરી અને પ્રોપર્ટી ખરીદનારાઓના કેટલાક સાંકેતિક નામો મળી આવતા જે પ્રોપર્ટીની અન્ડર વેલ્યુએશન આંકવામાં આવી છે તેના વેલ્યુએશનની કામગીરી આગળ વધારવામાં આવી છે.સર્ચ દરમિયાન આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં જવેલરી પણ મળી આવી છે.જેના વેલ્યુએશન બાદ કરચોરીની સાચી વિગતો જાણવા મળશે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કાળું નાણું થેલા ભરીને આર.કે. ગ્રૂપના ઘરે-ઓફિસે મોકલાતું હતું.લાખો- કરોડોની રકમ ચિઠ્ઠીમાં સિંગલ-ડબલ ડિજિટમાં બતાવતા હતા.એટલું જ નહીં,ઉદ્યોગપતિ,એસ્ટેટ બ્રોકર,એજન્ટ વગેરે દર મહિને નક્કી કરેલા સમયે કાળું નાણું પહોંચાડવા માટે ખાસ માણસો રાખ્ચા હતા.વ્યવહારો સામે ન આવે તે માટે ચિઠ્ઠીમાં નામ પણ ડમી લખાતા.સાહિત્ય દસ્તાવેજોની હવે ચકાસણી થશે.
મંગળવારે મોડી રાત્રિ સુધી તપાસ કાર્યવાહી ચાલતી રહી હતી.આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે બિલ્ડર્સ ગુ્રપને ત્યાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બિલ્ડર્સ ગુ્રપ દ્વારા જ્યાં કાચી ચીઠ્ઠીઓ અને બેનામી વ્યવહારોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે સ્થળેથી ડાયરી હાથ લાગી જતાં રૂા. ૧૦૦ કરોડના બિનહિસાબી નાણાંકીય વ્યવહારો બહાર આવ્યા છે.વધુમાં 4કરોડ રૂા. રોકડા થોકબંધ દસ્તાવેજો કબજે બે કિલોથી વધુ સોનાના દાગીના અને કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર આધારીત દસ્તાવેજની એન્ટ્રીની ચકાસણી લાંબા સમય સુધી ચાલશે.ત્યારબાદ કરચોરીનો સાચો આંકડો બહાર આવશે. આજે દરોડાની કાર્યવાહીને લીધે આર.કે. ગ્રુપના સર્વાનંદભાઇ સોનવાણીને છાતીમાં દુઃખાવો શરૂ થઇ જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.