– જિલ્લા કોંગ્રેસ દ્વારા માણસા એપીએમસી ખાતે ગુજરાત બચાવોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન
ગાંધીનગર : રાજ્યની ભાજપ સરકારની જન વિરોધી નીતિઓના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ૯ દિવસના વિવિધ આંદોલનકારી કાર્યક્રમો જાહેર કર્યા છે.જેના ભાગ રૂપે પાંચમા દિવસે ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા નિષ્ફળતાઓની ઉજાણી, શરમ કરો રૂપાણી… ‘સંવેદનહીન સરકાર’ના નારા સાથે વિરોધ પ્રદર્શન અંતર્ગત ખેડૂત રહે સદા ખુશહાલ,એજ કોંગ્રેસનો મક્કમ નિર્ધાર સાથે ભાજપ હટાવો, ગુજરાત બચાવોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ માણસા યાર્ડ ખાતે યોજાયો હતો.
ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી,ધારાસભ્ય સુરેશભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ ગિરવતસિંહ ચાવડા,શહેર પ્રમુખ પંકજભાઈ પટેલ,વિપક્ષ નેતા દીપકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.ત્યારબાદ માણસા પોલીસે તમામ આગેવાનોની અટકાયત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે જણાવ્યુ હતુ કે રાજયમાં ભાજપની સરકાર તો ૨૫ વર્ષથી શાસન કરે છે તો ૫ વર્ષની ઉજવણી કેમ કરી રહી છે. ખેતી અને ખેડૂતોના પ્રશ્ને રાજ્યની રૂપાણી સરકાર નિષ્ફળ નિવડી છે તેમ છતાં રૂપાણીજી સરકારી ખર્ચે ઉજાણી કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યુ કે, કોરોના મહામારીના કપરા કાળમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળતા નથી,ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે,પી.એમ કિસાન યોજનામાં ભારે ગોટાળા થયા છે, ટેકાના ભાવથી અનાજ,કઠોળ,મગફળી ખરીદી થતી નથી, બટાટામાં આર્થિક નુકસાની, વાવાઝોડું,પૂર અને કમોસમી વરસાદથી થયેલી ખેતી અને ખેડૂતોને થયેલા નુકસાનીમાં સરકારી કોઈ સહાય મળતી નથી. જેવા અનેક પ્રાણ પ્રશ્નો અંગે ઘોર નિષ્ફળતા સાબિત થઈ છે.જેથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે માણસા માર્કેટ યાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


