અમદાવાદ : તા.12 જુલાઈ 2022,મંગળવાર : રાજ્યના આઠ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મુખ્ય સચિવ પંકજ કુમારે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્ય સચિવે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને ઝીરો કેઝયુલિટીના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.તેમજ રાહત બચાવ સંદર્ભે નાગરિકોને ત્વરિત કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે ભરૃચ,તાપી,નર્મદા,સુરત,વલસાડ,ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સુસજજ બનાવવા સૂચનાઓ આપી હતી.જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને તેમણે સૂચનાઓ આપી હતી.
તેમણે ઉમેર્યું કે આગામી ૪૮ કલાકમાં પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ સંદર્ભે વધુ પાંચ એનડીઆરએફની ટીમો અત્રેથી ડિપ્લોય કરીને રવાના કરી દેવાઈ છે.જે સત્વરે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ જશે.તેમણે આ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકોને કેશડોલ્સ સહિતની વિવિધ સહાય પણ સત્વરે પૂરી પાડવા સૂચન કર્યું હતું.આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની,રાહત કમિશનર પી.સ્વરૃપ,આઇજીપી પિયૂષ પટેલ સહિત જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.