અમદાવાદ,તા. 9 મે 2022,સોમવાર : નરોડા સ્મશાનગૃહ રોડ પરના જ્યભવાની ભોજનાલય પાસે 10 દિવસ અગાઉ 4 શખ્સે યુવતીને લઈને ભાગેલા પ્રેમી અને તેના મિત્રને મારમારી છરી વડે હુમલો કર્યો હતો.રાજસ્થાનથી પ્રેમિકાને લઈને લવમેરેજ કરવા યુવક અમદાવાદ આવ્યોને બનાવ બન્યો હતો.હુમલાની ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થતા હુમલાખોર સાથે પ્રેમિકા પણ બાઈક પર બેસી ફરાર થઇ ગઇ હતી.બનાવ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.રાજસ્થાનના શિરોહી જિલ્લાના વતની કાંતિલાલ દાનારામ કલબીએ તેના ગામના પુનમારામ રણછોડજી કલબી, દિનેશ સોમાજી અને પ્રકાશ સોમાજી કલબી સહિત ચાર જના વિરુદ્ધ ફરિયાદ આપી છે.જે કાંતિલાલને તેના જ ગામની પોતાના સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.જોકે એક ગામના હોવાથી લગ્ન ના થાય તેમ હોઈ કાંતિલાલ તેની પ્રેમિકા અને સાથે એક મિત્રને લઈને ગત તા. 27મી એપ્રિલના રોજ ભાગીને બીજા દિવસે અમદાવાદ આવ્યો હતો.
નરોડામાં જયભવાની ભોજનાલય પાસે કાંતિલાલ, તેની પ્રેમિકા અને મિત્ર ઉભા હતા.તે સમયે બે બાઈક પર પુનમારામ સહિત 4 જણા આવ્યા હતા.પુનમારામે યુવતીનું નામ,ગામ વગેરે પૂછ્યા બાદ કાંતિલાલ અને તેના મિત્રને અપશબ્દો બોલી આરોપીઓએ લાકડાના દંડા વડે મારમાર્યા હતા.મોં પર કપડું બાંધેલ એક આરોપીએ ચપ્પુ કાઢી કાંતિલાલને ખભા પર ઘા મારતા ઇજાઓ થવાથી બુમાબુમ થઈ હતી.લોકો ભેગા થતા આરોપીઓ બાઈક લઈને જતા જતા ધમકી આપી કે, આજે તો તને જવા દઈએ છીએ, ફરી મળ્યો તો જાનથી મારી નાખીશું.કાંતિલાલની પ્રેમિકા પણ આરોપીઓ જોડે બાઈક પર બેસી જતી રહી હતી.ડરના માર્યા કાંતિલાલ અને તેનો મિત્ર પોતાના ગામ જતા રહ્યા હતા.બાદમાં ગત તા.5 મેના રોજ પરત અમદાવાદ આવ્યા બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.નરોડા પોલીસે કાંતિલાલની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.