જયપુર : આવકવેરા અધિકારીઓ દ્વારા જયપુરમાં એક જ્વેલર્સ અને બે રીઅલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં આઇટીના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રૂ. ૧૪૦૦ કરોડના બેનામી વ્યવહારો અને સોદા થયા હોવાનું પકડાયું હતું. દરોડામાં એક જાણીતા બિલ્ડર હોવાનું જાણવા મળ્યું હતું.અધિકારીઓને બિલ્ડર્સના ૬થી ૭ વર્ષના બિનહિસાબી વ્યવહારોની માહિતી,ચોપડાઓ,સ્લીપ પેડ્સ,કેશબુક,ખર્ચનો હિસાબ અને ડાયરીઓ બેઝમેન્ટમાં છુપાવેલી મળી આવી હતી.આ બિલ્ડર્સ દ્વારા રૂ. ૬૫૦ કરોડના બિનહિસાબી વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
DRIએ ૫૫.૬૧ કિલો સોનું જપ્ત કર્યું
બીજી તરફ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મ્યાંમારની બોર્ડર પરથી દાણચોરીથી લાવવામાં આવેલું ૫૫.૬૧ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. ૨૮ કરોડ થવા જાય છે.દિલ્હી અને લખનઉનાં ૮ લોકો દ્વારા આ સોનું દેશમાં લાવવામાં આવ્યું હતું.આઠેઆઠ દાણચોરોને પકડી લેવામાં આવ્યા હતા.કોરોનાને કારણે વિમાની સેવા બંધ હોવાથી મ્યાંમારનાં રૂટ પરથી સોનાની દાણચોરી વધી હતી.
ઇન્કમટેક્સ વિભાગે જયપુર સહિતના શહેરોમાં સૌથી મોટી રેડ કરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો છે,જયપુરમાં બે બિલ્ડર અને ફાઇનાન્સના ધંધાદારીઓ અને બુલિયનના વેપારીના ઠેકાણાં પર દરોડા કર્યાં હતા,પાંચ દિવસ ચાલેલી કાર્યવાહીમાં 50 જેટલી જુદી જુદી ટીમોના 200 જેટલા કર્મચારીઓ જોડાયા હતા,હવે અંદાજે 1700 કરોડ રૂપિયાનું કાળુંનાણું મળી આવ્યું છે આંકડો હજુ વધવાની શક્યતા છે.
આઇટી દ્વારા સિલ્વર આર્ટ ગ્રુપ,ચોરડિયા ગ્રુપ અને ગોકુલકૃપા ગ્રુપ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.જયપુરમાં આ કાર્યવાહી દરમિયાન એક સ્થળેથી સોના-ચાંદીના દાગીના,મૂર્તીઓ અને કિમતી સ્ટોન મળી આવ્યાં છે.જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે.એક ભોયરામાંથી અંદાજે 700 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરાઇ છે.વેપારીઓએ જમીનો અને બિલ્ડીંગોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું સામે આવ્યું છે,હજુ આઇટી દ્વારા તપાસ ચાલી રહી છે અને અન્ય પેઢીઓના નામ પણ સામે આવે તેવી શક્યતા છે.

