દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં એસ.આઈ.ટી. દ્વારા અલગ અલગ જમીનના વેચાણ દસ્તાવેજ તેમજ રાજુ ભરવાડે મૃતક દુર્લભ પટેલને આપેલ 7.55 કરોડના ચેક જેની પાસે લીધા હતા તેમના અને દુર્લભભાઈ પટેલના સી.એ. ના નિવેદન લીધા હતા.
દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણની ઢીલી તપાસ અંગે અધિકારીઓ પર આંગળી ચીંધાઈ રહી છે.ત્યારે શુક્રવારના રોજ જિલ્લા પોલીસે જારી કરેલ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,આ કેસની તપાસ કરી રહેલ એસ.આઈ.ટી. (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ પકડાયેલા આરોપી રાજુભાઈ લાખાભાઈ ભરવાડે અન્ય આરોપી કનૈયાલાલ તથા કિશોરભાઈ કોશિયાને પીસાદ વાળી જમીનના બદલામાં કામરેજ તાલુકાના નવી પારડી ખાતે આવેલ જમીન વેચાણ કરી હતી.જેના દસ્તાવેજના કાગળો મામલતદાર કચેરી કામરેજ ખાતેથી કબ્જે લીધા હતા.આ ઉપરાંત માંગરોળ તાલુકાના પીપોદરા ગામની જમીનના દસ્તાવેજ પણ માંગરોળ મામલતદાર કચેરીથી મેળવ્યા હતા.પોલીસે ગતરોજ આરોપીઓના ચાર્ટડ એકાઉન્ટન્ટના નિવેદન લીધા બાદ આજે શુક્રવારના રોજ મૃતક દુર્લભભાઈ પટેલના સી.એ.નું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.આ ઉપરાંત આરોપી ભાવેશ સવાણીના એકાઉન્ટન્ટ અને રાજુ ભરવાડે જે રૂ. 7.55 કરોડના ચેકો દુર્લભ પટેલને આપ્યા હતા તે ચેકો હેતલ દેસાઈએ જે વ્યક્તિ પાસેથી લીધા હતા તે વ્યકિતઓના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ના સીસીટીવી ફુટેજ અને આરોપી પી.આઈ. બોડાણાની માંદગીની રજા અંગેના દસ્તાવેજો તેમજ મેડિકલ સર્ટિફિકેટ કબ્જે લીધા હતા.


