શ્રીનગર, તા. 13 : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના નેતા જસબીર સિંહના ઘરે ગ્રેનેડથી હુમલો થયો હતો.આ હુમલામાં જસબીર સિંહના ચાર વર્ષના ભત્રીજાનુ મોત થઈ ગયુ છે જ્યારે પરિવારના 7 લોકો આ સમગ્ર હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.રાજૌરી જિલ્લાના ખાંડલી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારે જસબીર સિંહના ઘરને નિશાન બનાવાયુ.જ્યારે તેમનો પરિવાર પોતાની છત પર હતો ત્યારે આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ ઘરમાં ફેંકી દેવાયો.આ ઘટના બાદ રાજૌરીમાં સુરક્ષા વધારી દેવાઈ છે જ્યારે સ્થાનિક સંગઠનો દ્વારા આજે બંધનું એલાન પણ કરાયુ છે.
રાજોરીમાં થયેલા આ હુમલાની જવાબદારી People’s Anti-Fascist Frontએ લીધી છે. હવે એજન્સીઓ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે.જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ અને લોકો પર હુમલા વધી ગયા છે. રાજૌરીની ઘટના પહેલા પણ આ મહિને અનંતનાગમાં ભાજપ નેતા ગુલામ રસૂલ ડારની હત્યા કરી દેવાઈ હતી.

