– વિધાનસભાનાં પગથીયે કોંગ્રેસના વિરોધ બાદ ગૃહમાં સચિવાલયનાં કર્મીઓ પહોંચ્યા
– ચૂંટણી નજીક આવતા સત્તા પક્ષ ભાજપ સામે અનેક પડકાર
ગાંધીનગરમાં વિરોધનાં વંટોળ વચ્ચે વિધાનસભામાં આજે ટૂંકુ સત્ર મળી છે.આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી.કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતાં.નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.વિધાનસભામાં સત્ર શરૂ થયાં પહેલાં જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યાં હતાં.બીજી તરફ બહાર આંદોલનકારીઓના ટોળા ઉમટી પડ્યા તો વળી ગૃહસભાની અંદર પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો અને આ આંદોલનનો રંગ બદલાતો નજરે પડ્યો.
આજે મળેલ વિધાનસભા સત્રમાં આંદોલનનો રંગ કાળો જોવા મળ્યો.સચિવાલયના કર્મચારીઓને કાળા કપડા પહેરીને ચાલુ વિધાનસભા સત્રની વચ્ચે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા.પહેલેથી જ સરકારનો માથાનો દુખાવો બનેલ આંદોલન ઘટવાને બદલે દિવસે-દિવસે ઉગ્ર બનતુ જાય છે.આજ સુધી વિધાનસભા બહાર ઘેરાવો થતા હતા.આજે વિધાનસભાના પગથીયા બાદ વિધાનસભા ગૃહમાં વિરોધનો વંટોળ પહોંચ્યો છે.વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ વિધાનસભા ગૃહના પગથીયે બેસીને વિરોધ નોંધાવ્યો જ્યારે સચિવાલયનાં કર્મચારીઓ કાળા કલરનાં કપડા પહેરીને ગૃહમાં વિરોધ નોંધાવ્યો.
આ કદાચ ગુજરાતના ઇતિહાસમા પહેલીવાર ઘટના બની કહી શકાય તે સચિલાયલનાં કર્મચારીઓ કાળા કપડાં પહેરીને વિરોધ માટે વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હોય. રાજ્યભરના કર્મચારી મંડળોની સાથે સચિવાલય કેમ્પસની અંદર ફરજ બજાવતા વિધાનસભા અને સચિવાલયના કર્મચારીઓએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.આ તરફ આરોગ્ય કર્મચારીઓ,આશાવર્કરો તેમજ મહામંડળ,મોરચા સાથે જોડાયેલા સંગઠનોની OPS,ફિક્સવેતન નીતિ સહિતની પડતર માંગણી મુદ્દે સરકારમાં મંત્રીઓ સાથે ચાલતી મંત્રણા મંગળવારે પડી ભાંગી,કોઈ ઉકેલ આવ્યો નહોતો
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ તો સરકાર માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત સર્જાય છે.એકની માંગ પૂરી કરે ત્યાં અન્ય કર્મચારીઓ આંદોલન ઉગ્ર કરવાના મૂડમાં આવી જાય છે.અને હવે આ સરકાર વિરોધનો વંટોળ વિધાનસભાનાં બહારથી લઇને પગથીયાથી અંદર પહોંચી ગયો છે.જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ સત્તા પક્ષ ભાજપ સામે અનેક પડકારો આવી રહ્યા છે.


