– કેનેડાથી અમેરિકા લઈ જવાનું ગેરકાયદે રેકેટ
અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : કેનેડાથી ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા મોકલવાનું રેકેટ ચલાવતી એજન્ટોની ચેનલ તોડી પાડવા સરકારના આદેશ બાદ એજન્સીઓેએ કડક કાર્યવાહી શરૂ કરી હતી.દિલ્હીના આદેશને પગલે પોલીસે ભાજપના નેતાઓના ફાઈનાન્સરને ગેરકાયદે વિદેશ મોકલવાના રેકેટમાં સંડોવણી અંગે પકડી કડકાઈ દાખવતા રાજકીય આલમમાં સોંપો પડી ગયો હતો.રાણીપમાં ‘મેટર’ના નામથી જાણીતા યુવા નેતાએ શારીરિક રીતે કદમાં નાના પણ પાર્ટીમાં પદ મામલે મોટું કદ ધરાવતા જૂના સાથી એવા બે નેતાની મદદ માંગી ફાઈનાન્સર ને છોડાવવા આજીજી કરી હતી.રાજ્યસ્તરે પાર્ટીમાં પહેલી હરોળમાં આવતા આ બંને નેતાએ ‘મેટર’ને ખાતરી આપી દીધી કે, આપડો મિત્ર છૂટી જશે કોઈ વાંધો નથી.જો કે, પોલીસ પર દબાણ કર્યા બાદ બંનેને ખબર પડી કે, દિલ્હીથી આદેશ કડક કાર્યવાહીનો છે.આમ, કાયમ ઓવર કોન્ફીડશનમાં રાચતા બંને કદાવરને તેમનું કદ સમજાયું અને તેઓના શસ્ત્રો બૂઠ્ઠા નિકળ્યાનો અહેસાસ થયો હતો.
રાણીપમાં ‘મેટર’થી જાણીતા નેતાના કહેવાથી દબાણ થયું પણ દિલ્હીના આદેશ સામે શસ્ત્રો બુઠ્ઠા નિકળ્યા
ડિંગુચાના એક જ પરિવારના ચાર સભ્યોના મોત મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ બાદ વિવિધ એજન્સીઓ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતા એજન્ટોની ચેનલને તોડવાના કામમાં લાગી ગયા હતા. ૬૫ થી ૭૦ લાખ રૂપિયાની વસુલાત કરી માનવ જીંદગીઓ સાથે મોતનો ખેલ ખેલતા એજન્ટો સામે કડક કાર્યવાહીની પ્રજામાં પણ માંગ ઉઠી હતી.
એજન્સીઓની તપાસમાં મુખ્ય સૂત્રધાર બોબીના નજીકના સાગરિતનું નામ બહાર આવતા પોલીસે તેણે ઉઠાવ્યો હતો.કેનેડા બોર્ડર ક્રોસ કરાવી ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના રેકેટનો આરોપી ભાજપના નેતાઓ સાથે પણ ઘરોબો ધરાવતો હતો.પોલીસે આરોપીને ઉઠાવતા રાણીપ વિસ્તારમાંથી ભાજપનો નેતા મેટર એક્ટિવ થયો અને મિત્રને છોડાવવા માટે જોર લગાવ્યું હતું.મેટરે પોતાના જૂના સાથીદાર અને પાર્ટીમાં મોટું કદ ધરાવતા પણ શારીરિક રીતે કદમાં નાના બે નેતાને ફોન કરી ફાઈનાન્સર પકડાયો હોવાની જાણ કરી તેણે છોડાવવા માટે દબાણ શરૂ કર્યું હતું.સ્વભાવે ઉગ્ર પણ ભાષણ કરવામાં માસ્ટર ગણાતા બંને નેતાએ પોલીસ પર પ્રેશર ટેકનિક અપનાવી હતી.એક નેતા એવું માનતા કે, આપડી ભલામણ થાય પછી પોલીસ ફાઈનાન્સરને છોડાવી દેશે.જો કે, પોલીસે મચક આપ્યા વગર નેતાના સાથીદાર પર કાર્યવાહી કરી હતી.દિલ્હીના આદેશને પગલે પોલીસ પણ કોઈ ભૂલ કરવાના મૂડમાં ન હતી.જેના પગલે પોલીસે ઢીલ દાખવ્યા વગર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું હતું.બીજી તરફ પોલીસ પર થયેલી પ્રેશર ટેકનિક બાદ વિદેશ મોકલવાના રેકેટના સૂત્રધારો ભાજપના આ નેતાઓના સંપર્કમાં હોવાનું અને તેઓ સાથે આર્થિક વ્યવહારો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


