– ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સીએમએ મહાનગરોના કમિશનરોને દિશા નિર્દેશો આપ્યા
– ડ્રાફટ ટી.પી મંજૂર થયાના એક વર્ષમાં જ ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે: મુખ્યમંત્રી
– આ વર્ષના અંત સુધીમાં બાકીની સ્કીમ પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની શહેરી વિકાસ વિભાગની નેમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે આ દિશાનિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ડ્રાફટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે.ડ્રાફટ ટી.પી થી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે.તેનું નિવારણ ત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં બધા જ 8 મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.રાજ્યના આ મહાનગરોમાં કુલ 875 ટીપી સ્કીમ બનાવાયેલી છે.અને તેમાંથી 400થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવી છે.
આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી 475 પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે.શહેરી વિકાસ અગ્ર સસિવ મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે તેમાં અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજૂર થઇ છે.અમદાવાદ મહાનગરમાં તા. 1 જાન્યુઆરી-2023થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેની સફળતાના મુલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં તે અમલી કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું.