અમદાવાદ : ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.તેમનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો,પરંતુ તેમને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યુ છે. કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન આપવાની મંજૂરી આપી છે.હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી નિભાવશે.આઇપીએસ આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી.આશિષ ભાટિયા 1985 બેંચના આઇપીએસ અધિકારી છે.આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો હતો અને તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.આશિષ ભાટિયા સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી,રેલવેના ડીજીપી અને સીઆઇડી ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.નોંધનીય છે કે,બે વર્ષ પહેલાં એક નિયમ બનાવાયો હતો,જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે બે વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો.