રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે.ગુજરાતની પ્રાચીન ધરોહર,ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે અને દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો,હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા અને માણવાનો લ્હાવો મળશે.
નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપી ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં પણ હવે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે તેવી મંજૂરીની મોહર મારી છે.
CM રુપાણી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હેરિટેજ ટુરીઝમ પોલીસી પ્રમાણે 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી પડી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાખી છે.સ્થાનિક સ્તરે રોજગાર સર્જન સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરી ગુજરાત ટુરીઝમને નવા આયોમો આપાવામાં આવ્યા છે.
રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. CM રુપાણી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીનાં કારણે રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને બુસ્ટ અપ મળશે.સાથે સાથે વિદેશી હૂંડિયામણ થી આવક ના વધુ સ્ત્રોત ઊભા કરવાનો મુખ્યમંત્રીનો વિકાસ લક્ષી પ્રેરણાદાયી વિચાર ખુબ મદદ કરશે.


