ગાંધીનગર : રાજ્યની સરકારી શાળાઓમાં જે પ્રકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેને અનુલક્ષીને છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખ નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા છે.ગત વર્ષે રાજ્યના ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો,જે ખૂબ જ ગૌરવની બાબત છે.નોંધનીય છે કે,દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તાજેતરમાં દિલ્હીની મોડેલ શાળાઓના ઉદાહરણ સાથે ગુજરાતની સરકારી શાળાઓમાં સુધારા કરવાના ટોણાં માર્યા હતા.તેના સંદર્ભમાં રાજ્યના શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણીએ આ જવાબ આપ્યો છે.
GIET અને GCERTના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ગ્રીષ્મોત્સવના સમાપન સમારંભમાં શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે,ગ્રીષ્મોત્સવની શરૂઆત સૌ પ્રથમ વખત ગુજરાતમાં થઈ છે.શિક્ષણ વિભાગનો આ એક અનોખો પ્રયોગ છે.સરકારી શાળાના બાળકો માટે વેકેશન સમયગાળા દરમિયાન શ્રીમદ્ ભાગવત,વિજ્ઞાન,ગણિત,કળા-કૌશલ્ય,સંગીત,કોડિંગ,મનોરંજન,વાર્તા અને દેશી રમતો સહિતના વિષયોના કાર્યક્રમો ઓનલાઇન અને ઓફલાઇન યોજાયા હતા.જેમાં અંદાજે ૬.૫ લાખ બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના તમામ તાલુકાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે અને તેમાં પણ સરકારી શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.આ એવા ગરીબ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે જેમના વાલીઓ છૂટક મજૂરી અથવા તો ખેતી કરીને ગુજરાન ચલાવે છે.આ રીતે દિવાળીના વેકેશનમાં શરદોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.તેમણે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમોનાં શ્રેષ્ઠ પરિણામો આજે મળી રહ્યા છે.NCERT દ્વારા કરાયેલા નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ ધોરણ-૩થી ૮ના વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે દેશભરમાં ટોચ પર રહી છે.રાષ્ટ્રના સરેરાશ દેખાવ કરતા પણ રાજ્યનો દેખાવ સારો રહ્યો છે.
છેલ્લા ૪ વર્ષમાં વિવિધ ઉત્સવો અને કાર્યક્રમો થકી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે.છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ નવા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા છે,જે વિક્રમજનક આંકડો છે.ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે.કોરોનાકાળમાં પણ વિદ્યાર્થી પર અભ્યાસક્રમનો ભાર ન રહે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ હતી.૨૫ ટકા સિલેબસ કાપવાની વાતને નિષ્ણાતો સાથે વિમર્શ કરી વિદ્યાર્થીઓના હિતમાં નકારી અને વધુ સવાલ,ઓછા જવાબની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી.વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઊભો કર્યો હતો.


