– ૧૪ ઓકટોબરના રોજ મતગણતરી થશે
મુંબઈ : રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧,૧૧૬ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૧૮ જિલ્લાની ગ્રામ પંચાયત માટે ૧૩ ઓક્ટોબરના રોજ મતદાન થશે અને બીજા દિવસે એટલે કે ૧૪ ઓક્ટોબરના રોજ મતગણતરી થશે.
રાજ્યના ચૂંટણી કમિશનર યુ.પી.એસ મદાને આજે ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા કરી હતી. મદાને જણાવ્યું હતું કે સંબંધિત તહસીલદાર ૧૩ સપ્ટેમ્બરે રોજ ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ કરશે.ઉમેદવારી પત્રક ૨૧થી ૨૭ સપ્ટેમ્બર સુધીમાં દાખલ કરાશે. શનિવાર તથા રવિવાર રજાને લીધે ૨૪ અને પચ્ચીસ સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રક ભરી શકાશે. ઉમેદવારી પત્રકની ચકાસણી ૨૮ સપ્ટેમ્બરના રોજ થશે.ઉમેદવારીપત્રક પાછુ ખેંચવાની અંતિમ મુદત ૩૦ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યા સુધી હશે. તેજ દિવસે ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવશે.મતદાન ૧૩ ઓક્ટોબરના રોજ સવારે ૭.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી હશે.
જ્યારે નક્સલગ્રસ્ત વિસ્તારમાં બપોરે ૩ વાગ્યા સુધી મતદાનનો સમય ચે. મત ગણતરી ૧૪ ઓક્ટોબરના રોજ થશે.ગ્રામપંચાયતની ચૂંટણી પક્ષના ચિહ્ન પર લડાતી નથી.માત્ર વિધાનસભા મતદાર ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરનારા ધારાસભ્ય સહિત સ્થાનિક નેતા આ ચૂંટણી માટે પોતાનું જોર બતાવતા હોય છે.રાજ્યમાં થોડાક મહિના પૂર્વે થયેલી ઉથલપાથલને કારણે બધા રાજકીય પક્ષ આ ચૂંટણી આક્રમક રીતે લડશે એવી શક્યતા છે.
શિવસેનામાં ફૂટ પડયા બાદ અને રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ આ ચૂંટણી પ્રત્યે બધાનું ધ્યાન કેન્દ્રીત છે.